ગોંડલ, જસદણ, કોટડાસાંગાણીમાં કરા સાથે વરસાદ

Tuesday 14th May 2019 14:52 EDT
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ૧૨મી મેએ બપોર સુધી ઉનાળાના આકરા તાપમાન બાદ સાંજે પાંચ વાગ્યા પછી એકાએક બદલાવ આવ્યો હતો. આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાઈ ગયા હતા. ગોંડલ જસદણને કોટડાસાંગાણી પંથકમાં કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોએ આશ્ચર્ય અનુભવ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વૈશાખ મહિનાના આકરા તાપમાં ૧૨મીએ જનજીવન ઉપર વ્યાપક વિપરીત અસર જોવા મળી હતી. દિવસ દરમિયાન આકરા તાપને કારણે રસ્તાઓ સૂમસામ હતા, પરંતુ સાંજના પાંચ વાગ્યા પછી વાતાવરણ એકાએક બદલાયું હતું. આકાશમાં વરસાદી વાદળાઓ ચારે બાજુ છવાઈ ગયા હતા. જાણે હમણાં વરસાદ તૂટી પડશે તેવો માહોલ સર્જાયો હતો. ગોંડલ પંથકમાં તો તોફાની પવન સાથે ગ્રામીણ વિસ્તારમાં કરાનો વરસાદ વરસ્યો હતો. જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિત વાતાવરણના બદલાવની અસર સર્વત્ર જોવા મળી હતી.
ગોંડલ શહેર તાલુકામાં ૧૨મીએ દિવસ દરમિયાન ગરમીનો પારો ઊંચો રહ્યા બાદ સાંજના અચાનક વાતાવરણ પલટાતા કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘેરાયા હતા અને ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પરના ગ્રામ્ય વિસ્તારના કેટલાક ભાગમાં અમીછાંટણા વરસ્યા હતા.
જ્યારે તાલુકાના પાંચીયાવદર શેમળા, બિલીયાળા, ભોજપરા, નાગડકા તેમજ ભુણાવા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter