અમદાવાદઃ ગુજરાત પોલીસે ગોધરામાં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-૬ને આગ ચાંપવાનું ષડયંત્ર ઘડનાર મુખ્ય આરોપી ફારુખ ભાણાને ઝડપી લીધાનો દાવો કર્યો છે.
ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા હિમાંશુ શુક્લને ટાંકીને સ્થાનિક અહેવાલમાં જણાવાયું હતું કે ફારુખ ભાણા ગોધરાકાંડનો મુખ્ય આરોપી છે. ટ્રેનમાં આગ ચાંપવા માટે ફારુખે પેટ્રોલ બોમ્બની વ્યવસ્થા કરી હતી અને ષડયંત્ર પાર પાડ્યા બાદ તે નાસી ગયો હતો.
સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચને સળગાવી દેવાની ઘટનામાં ૫૮ લોકો માર્યા ગયા હતા. આમાંના મોટા ભાગના અયોધ્યામાં કારસેવામાં ભાગ લઇને વતન પરત ફરી રહ્યા હતા. આ ઘટના પછી ગુજરાતમાં હિંસક કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં - સરકારી આંકડા અનુસાર - ઓછામાં ઓછા એક હજાર લોકો માર્યા ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, પહેલાં એવી માહિતી મળી હતી કે નાસતોફરતો ફારુખ પાકિસ્તાન ભાગી ગયો છે. પરંતુ તાજેતરમાં તે ગુજરાત પાછો આવી ગયો હતો. આ પછી તે કલોલમાં છુપાયો હતો. પોલીસને બાતમી મળી કે તરત જ તેને ઝબ્બે કરી લેવાયો હતો.
એસ-૬ કોચને આગ ચાંપવાની ઘટનામાં પોલીસે ૯૭ આરોપીઓની ધરપકડ કરી હતી. કેસની સુનાવણી બાદ ૨૦૧૧માં ગોધરાની સ્થાનિક કોર્ટે ૩૧ આરોપીને દોષિત ઠરાવ્યા હતા. ૧૧ દોષિતોને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. જ્યારે ૨૦ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપીઓમાંથી ૬૪ને નિર્દોષ ઠરાવવામાં આવ્યા હતા. ફારુક આ કેસમાં છેલ્લો આરોપી હતો, જે અત્યાર સુધી નાસતો ફરતો હતો.


