અમદાવાદ: વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડની ઘટનામાં ૧૪ વર્ષ બાદ પકડાયેલા પાંચ આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં સાબરમતી જેલમાં ઉભી કરાયેલી ખાસ કોર્ટમાં સ્પેશયલ જજ એચ. સી. વોરાએ બે આરોપીને ગુનેગાર ઠરાવીને ૨૭મી ઓગસ્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે ત્રણ આરોપીને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડાયાં છે. આ કેસમાં આરોપી કાદોર અબ્દુલ ગની પાટડિયા ચાલુ કેસમાં મૃત્યુ પામ્યો હોવાથી તેની સામેનો કેસ પડતો મુકાયો હતો. આજીવન સજા પામેલા આરોપીમાં ફારૂક ભાણા અને ઈમરાન ઉર્ફે શેરુ ભટુકનો સમાવેશ થાય છે. જ્યારે હુસૈન સુલેમાન મોહન, કસીમ ઈબ્રાહિમ ભમેડી અને ફારૂક ધંતિયાને કોર્ટે નિર્દોષ છોડ્યા છે.
ગોધરાકાંડ ઘટના
ગોધરા રેલવે સ્ટેશન ઉપર ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સાબરમતી એકસપ્રેસ ટ્રેન આવતાં ટોળાએ હુમલો કરીને એસ-૬ ડબ્બો સળગાવતા ૫૯ કાર સેવકોના મોત નિપજયા હતા. જે અંગે તબક્કાવાર ૯૪ આરોપીઓ પકડાયા હતા. જ્યારે નાસતા ફરતા પૈકી છ આરોપીઓની વર્ષ ૨૦૧૫-૧૬માં હુસૈન સુલેમાન મોહન, કાસીમ ઈબ્રાહિમ ભમેડી, ફારૂક હાફીઝ ધંતિયા, ફારૂક ભાણા, ઈમરાન ઉર્ફે શેરુ ભટુક અને કાદર અબ્દુલ ગની પાટડિયા પકડાયા હતા. આ કેસ ખાસ કોર્ટમાં ચાલતા એસઆઈટીના સિનિયર એડવોકેટ જે. એમ. પંચાલ અને તેમની મદદમાં વકીલ એન. એમ. પ્રજાપતિએ ૩૭ સાક્ષીઓ અને ૮૧૪ દસ્તાવેજાના આધારે કેસ પુરવાર કરીને જણાવ્યું હતું કે ગંભીર પ્રકારની ઘટના હતી. આરોપીઓ ગુનો આચર્યા બાદ ૧૪ વર્ષ વોન્ટેડ રહ્યા હતા. આરોપી ફારૂક ભાણા ગોધરા નગરપાલિકાનો સભ્ય હતો અને તેને ટોળાની આગેવાની લઈને ઉશ્કેરણી દ્વારા એસ-૬ ડબ્બો સળવવામાં મદદ કરી હતી. જયારે ઈમરાન ઉર્ફે શેરુએ એસ-૬ ડબ્બામાં પેટ્રોલનો કેરબો લઈને છાંટીને કારસેવકોને સળગાવ્યા હતા. આ કેસમાં નીચલી કોર્ટે ૩૧ આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા હતા. બે આરોપી સામે નક્કર પુરાવા છે ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને વધુમાં વધુ સજા ફટકારવી જોઈએ.
૨૦૧૧નો ચુકાદો
ખાસ કોર્ટે ફેબ્રુઆરી ૨૦૧૧માં ૯૪ આરોપીઓ સામે ચુકાદો આપ્યો હતો. જેમાં ૩૧ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જેમાં ૧૧ને ફાંસીની સજા અને ૨૦ને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે ૬૩ને મુક્ત કર્યા હતા. જેની સામે ગુજરાત હાઈ કોર્ટે ગયા વર્ષે ઓકટોબરમાં ૧૧ આરોપીઓને મૃત્યુદંડની સજા ઘટાડી દીધી હતી અને રાજય સરકારને ભોગ બનેલાઓના સંબંધીઓને રૂ.૧૦ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.


