અમદાવાદઃ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ)ની ટીમે અમદાવાદના કારંજ વિસ્તારની વિનસ હોટેલમાંથી ૧૯મી ઓગસ્ટ (મંગળવાર)ની મોડી રાત્રે મહંમદ ઈરફાન શેખ ઉર્ફે કાલિયા નામના શંકાસ્પદ શાર્પશૂટરને ઝડપી લીધો હતો. આ ઉપરાંત રવિવારે છોટા શકીલ ગેંગના અન્ય ચારની પણ ધરપકડ કરાઈ છે. આ ગેંગસ્ટરો સાથે શહેરમાં કેટલાક સ્થાનિક લોકો પણ સંપર્કમાં હોવાની એટીએસને શંકા છે.
મોડી રાત્રે વિનસ હોટલમાં શાર્પશૂટરને પકડવા ઓપરેશન થયું ત્યારે શાર્પશૂટરે ફાયરિંગ કર્યું હતું. જેમાં પીએસઆઈ નમ્યાને ગોળી દીવાલમાં ઘૂસી હતી. એટીએસ મુજબ, છોટા શકીલની ગેંગના બેને ઝડફિયાની હત્યાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. એમાંથી મુંબઈથી આવેલો ઈરફાન પકડાયો અને સલમાન ફરાર છે. એટીએસે આ અંગે છોટા શકીલ, ઈરફાન શેખ અને સલમાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસમાં જણાયું કે, ઇરફાન અને સલમાનને ગોરધન ઝડફિયાની હત્યા માટે કુલ રૂ. પાંચ લાખ મળવાના હતા. જેમાં ઇરફાન અને સલમાનને ભાગે રૂ. અઢી-અઢી લાખ આવતા હતા.
ઈરફાન શેખ કોરોનાગ્રસ્ત
કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ૧૯મી ઓગસ્ટે (બુધવાર) સવારે ઈરફાનનો કોરોના ટેસ્ટ કરાવાયો જે પોઝિટિવ આવ્યો હતો. તેથી ઈરફાનને ચુસ્ત બંદોબસ્ત હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ સાથે એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમના ૪૦ સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરાવાયો હતો. જેમાંથી એટીએસના ૧૯ જણાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને ૬ જણાને હોમ આઈસોલેટ કરાયા.
વધુ ચારની ધરપકડ
ઈરફાન પકડાયા પછી ગુજરાત એટીએસે છોટા શકીલ ગેંગના મહારાષ્ટ્રમાંથી ૩ અને કર્ણાટકમાંથી ૧ એમ કુલ ચારને પકડ્યાં હતાં. આ ચારેયને રવિવારે રાતે અમદાવાદ લવાયા હતા. પોલીસે ઈરફાનનો ફોન ચેક કર્યો હતો અને તે છેલ્લા ૧૫ દિવસમાં ફોનથી કોના સંપર્કમાં હતો તેની તપાસ પરથી આ ચાર પકડાયા હતા. જોકે પકડાયેલા ચારેયની સંડોવણી વિશે હાલમાં પોલીસે કશું જણાવ્યું નથી.
ઝડફિયા શા માટે શિકાર?
વર્ષ ૨૦૦૩થી ૨૦૦૭ દરમિયાન ગુજરાતમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અગ્રણી નેતા લાલકૃષ્ણ અડવાણી, પ્રવીણ તોગડિયા વગેરેની હત્યા માટે ત્રાસવાદીઓ આવ્યા હોવાનું કહીને એન્કાઉન્ટર થયા હતા. કચ્છના અગ્રણી ભાજપી નેતા જયંતી ભાનુશાળીની હત્યા પણ થઈ હતી. હવે ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલા શાર્પશૂટરની એટીએસે ધરપકડ કરી છે, પણ અનેક રાજકીય વિશ્લેષકો આને હાસ્યાસ્પદ ઠેરવીને કહી રહ્યા છે કે ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર શા માટે રચવામાં આવે? ગોરધન ઝડફિયા અત્યારે ભાજપમાં મોદી કે અડવાણી કક્ષાના નેતા નથી. વળી, વર્ષ ૨૦૦૨ પછીના રાજકીય કાર્યકાળમાં તેમણે એવા કોઈ સ્ફોટક નિવેદનો, ભાષણો કે ‘કામ’ કર્યાં નથી કે તેમની હત્યાનું કાવતરું રચાય. અચાનક જ ગોરધન ઝડફિયાના નામે આટલો મોટો વિસ્ફોટ થાય તે માન્યામાં આવતું નથી.


