ગૌરક્ષાનાં નામે હત્યાનો કોઈને હક્ક નથી: મોદી

Friday 30th June 2017 04:19 EDT
 
 

અમદાવાદઃ ગાયનાં નામે ગૌરક્ષકો અને ગૌભક્તો દ્વારા થતી હિંસા પ્રત્યે સખત નારાજગી વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ગાંધીજીએ અને વિનોબાજીએ ચીંધેલા ગૌરક્ષા અને ગૌભક્તિના માર્ગે જ દેશનું કલ્યાણ થઈ શકે. દેશનો વર્તમાન માહોલ અપાર પીડા આપી રહ્યો છે અને એની સામે હું સખત નારાજગી વ્યક્ત કરું છું. ગુજરાતની બે દિવસની યાત્રાના પ્રારંભે ગુરુવારે અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમ નજીક સભાને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે, જે દેશમાં લોકો કીડીઓને લોટ, કૂતરાને રોટલી, નદી-નાળાનાં માછલાંને ખવડાવતા હોય, એ મહાત્માજીના દેશને આજે શું થઈ ગયું છે?

હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થાય અને દર્દીના પરિવારજનો ગુસ્સે ભરાઈને ડોક્ટરને મારે, શું આ દેશ બાપુનો દેશ છે? અકસ્માત એ અકસ્માત હોય છે, તો પછી લોકો દ્વારા ગાડીઓ સળગાવવાનો કોઈ મતલબ ખરો? ગાયની રક્ષા કેવી રીતે કરવી, ગૌભક્તિ કેવી રીતે કરવી એ માટેનો ઉત્તમ માર્ગ મહાત્મા ગાંધીએ અને વિનોબાજીએ દેખાડયો છે. એ રસ્તે જ દેશે ચાલવું પડશે, એમાં જ કલ્યાણ છે. ગાયનાં નામે માણસને મારવાનો કોઈ હક્ક મળતો નથી, ગાયનાં નામે હત્યા કરવાનો કોઈનેય અધિકાર નથી, કાયદો કાયદાનું કામ કરશે. માણસને આવો કોઇ અધિકાર નથી, હિંસા એ સમસ્યાનું સમધાન નથી, કાયદો-વ્યવસ્થા પાળીશું તો જ બાપુનાં સપનાનું ભારત આપણે બનાવી શકીશું, એમ એમણે જણાવ્યું હતું.
ગાંધી આશ્રમ નજીક ગૌશાળાનાં મેદાનમાં આશ્રમની શતાબ્દી તથા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે યોજાયેલી સભાને સંબોધતા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯માં આપણે સ્વચ્છ ભારત અભિયાન સાકાર કરીને ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઊજવીશું અને ૧૨૫ કરોડ દેશવાસીઓ એક કદમ ચાલી હિન્દુસ્તાનને ૧૨૫ કરોડ કદમ આગળ લાવવાનો સંકલ્પ કરશે તો આપણે ૨૦૨૨માં આઝાદીની ૭૫મી જયંતી પણ ઊજવી શકીશું.

વિનોબાજીએ ગૌરક્ષા માટે મને મરવાનું કહેલું: મોદી

વડા પ્રધાન મોદીએ તેમની વિનોબા ભાવે સાથેની મુલાકાત વિશે પણ પહેલી વાર જાહેરમાં ઘટસ્ફોટ કર્યા હતો. એમણે કહ્યું કે, ‘એક વાર હું વર્ધા ગયો હતો. વિચાર આવ્યો કે વિનોબાજીને મળું, એટલે આશ્રમમાં એમને મળવા ગયો હતો. મને જોઈને વિનોબા કશુંક બોલ્યા, પણ એ અસ્પષ્ટ ઉચ્ચારણો મને સમજાયાં નહીં, પરંતુ ધ્યાનથી બીજી વાર સાંભળ્યું ત્યારે ખબર પડી કે તેઓ ‘મર જાવ, મર જાવ’ એવું કહેતા હતા. પહેલાં તો હું કશું સમજ્યો નહીં પણ પછી ખબર પડી કે, વિનોબાજી ગાય માટે મરી જવાનું કહેતા હતા.

આશ્રમની ડાયરીમાં વડા પ્રધાનની નોંધ

વડા પ્રધાન મોદીએ કાર્યક્રમમાં પ્રવચન પૂર્વે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. એમણે ત્યાં પ્રદર્શન નિહાળ્યા હતા અને પરંપરા પ્રમાણે ચરખો પણ ચલાવ્યો હતો. એમણે આશ્રમની ડાયરીમાં બે પાના ભરીને નોંધ્યું હતું કે સાબરમતી આશ્રમની શતાબ્દી કોઈ ઈમારત, સંસ્થા કે પ્રવૃત્તિ માત્રની શતાબ્દી નથી. આ એવી તપોભૂમિ છે જ્યાં સેંકડો વર્ષની ગુલામીને કારણે ભારતીય સમાજના મૂળ પીંડને કુઠરાઘાત થયા હતા. પૂ. બાપુએ અહીં એવી તપસ્યા કરી જ્યાં સ્વરાજ્યના મૂળમાં પ્રથમ સ્વનો બાંધ થાય. સ્વની ચેતના જાગૃત થાય અને સઘળું સ્વાભાવિક થાય, સહજ થાય અને સહુને પરવડે તેમજ સહુને પોતિકું લાગે એવું જનજનનું નવતર ઘડતર, માનવ ઘડતરથી રાષ્ટ્ર ઘડતરનો રૂપરેખાનો આશ્રમ જીવંત સાક્ષી છે. માત્ર ભારત જ નહીં, વિશ્વની માનવતાનો, તેની ચેતનાનો અમરત્વનો માર્ગ આ તપોભૂમિમાં પ્રગટ્યાં છે. સ્વ પ્રયાસથી સ્વાનુ ભાવથી આ તપોભૂમિએ પ્રણામ. પૂ. બાપુને પ્રણામ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter