અમદાવાદઃ અમેરિકામાં વસતા એનઆરઆઇ ગ્રીનકાર્ડ ધરાવતા હશે તો તેમને કેનેડા જવું હવે સરળ થઈ રહેશે. કેનેડા કોન્સ્યુલેટ તેમને ઓનલાઇન પાંચ વર્ષના વિઝા આપશે. તાજેતરમાં આ નવો નિયમ કેનેડા કોન્સ્યુલેટ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.
થોડા વખત પહેલાં અમેરિકન કોન્સ્યુલેટે ગેરકાયદે વસતા ભારતીયોને કાયમી કરી ગ્રીનકાર્ડ આપી દીધા હતા. જોકે અમેરિકામાં ગેરકાયદે વસવાટ અમુક વર્ષની મર્યાદામાં આવતા હોય તેમનો જ સમાવેશ કર્યો હતો. જેમાં સૌથી વધુ સંખ્યા ગુજરાતીઓની હોવાથી તેમને પણ ગ્રીનકાર્ડ મળી ગયા હતા. હવે અમેરિકામાં વસતા ભારતીય નાગરિકો પાસે ગ્રીનકાર્ડ હોય તો તેમને કેનેડા ફરવા માટેના નવા દ્વારા ખૂલી ગયા છે.
હવેથી ભારતીય નાગરિકોએ ઓનલાઇન કેનેડા કોન્સ્યુલેટમાં અરજી કરવાની રહેશે જેમાં તેમની વિગતો સહિત જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે. આ પ્રોસિઝર પૂરી કર્યા પછી પેપર કે વિગતો યોગ્ય હશે તો થોડા દિવસમાં જ ઓનલાઇન ઇ-વિઝા ઇશ્યુ કરી દેવામાં આવશે. આમ કેનેડા કોન્સ્યુલેટ ઇ-મેઇલ પર એનઆરઆઇને પાંચ વર્ષના મલ્ટીપલ વિઝા આપી દેશે. જ્યાં એનઆરઆઇનો ઇન્ટરવ્યુ પણ લેવાશે નહીં.


