જામનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડા પ્રધાનના દિશાનિર્દેશમાં યોગ-આયુર્વેદના ભારતીય જ્ઞાન-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો પ્રાચીન વારસો આજે વૈશ્વિક આરોગ્ય સુરક્ષાના હેતુથી અલગ જ સ્વરૂપે પ્રસ્તુત થઈ રહ્યો છે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાથી ‘બહુજન હિતાય બહુજન સુખાય’ સૂત્ર સાકાર થવાનું છે.
તેમણે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે વડા પ્રધાન નરેન્દ્રભાઈએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન રૂપે અમૃત કળશની ભેટ દેશને આપી છે. ભારતમાં યોગ-આયુર્વેદ જેવી પ્રાચીન પરંપરાગત ઉપચાર પદ્ધતિઓનો ખજાનો રહેલો છે. વિશ્વભરની ૧૩૮ જેટલી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના જ્ઞાનના આદાન-પ્રદાન માટે આ કેન્દ્ર આંતરરાષ્ટ્રીય મંચ બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડા પ્રધાનના નેતૃત્વમાં સરકારે આયુર્વેદ, યોગ અને બીજી આયુષ પદ્ધતિઓ તથા સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાની સાથે સંયોજિત કરવાનો નિર્ધાર કર્યો છે. એકવીસમી સદીમાં આધુનિક વિજ્ઞાન સાથે આ પ્રાચીન જ્ઞાનને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય આ ગ્લોબલ સેન્ટરથી હાથ ધરાશે તેનો આનંદ છે.


