ચંદ્રયાન-૨ના ડેટાનું વિશ્લેષણ કરશે ડો. મેઘા ભટ્ટ

Wednesday 24th July 2019 06:26 EDT
 
 

અમદાવાદઃ બાળપણમાં લાઇટ જતી રહેતી ત્યારે એક બાળકી ચાંદામામાને ટગર ટગર જોયા કરતી હતી, આજે તે જ બાળકી વયસ્ક બનીને વૈજ્ઞાનિક તરીકે ચંદ્ર પર સંશોધન કરી રહી છે. ચંદ્ર વિશેના તેના સંશોધન કાર્યની વિશ્વસ્તરે નોંધ લેવાઇ રહી છે. અને હવે તે ચંદ્રયાન-૨ દ્વારા પૃથ્વી પર મોકલાતા ડેટાનું વિશ્લેષણ કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. આ યુવતી એટલે અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)માં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતાં ડો. મેઘા યુ. ભટ્ટ.
ઇન્ટરનેશનલ સાયન્સ જર્નલ ‘નેચર’એ મૂન રિસર્ચ ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન આપી રહેલા પાંચ પ્રતિભાશાળી યુવા વૈજ્ઞાનિકોની યાદી તૈયાર કરી છે તેમાં એક નામ ડો. મેઘા ભટ્ટનું છે. ‘નેચર’ના મતે આ પાંચ વૈજ્ઞાનિકો આગામી પાંચ દસકામાં ચંદ્ર વિશેના રિસર્ચને નક્કર દિશા આપી શકે છે. આવા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકે એક અખબારી મુલાકાતમાં પોતાના બાળપણ, વિજ્ઞાનમાં રુચિ તથા ચંદ્રયાન-૨ અભિયાન વિશે રસપ્રદ માહિતી આપી હતી. તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે આ વાતચીતના અંશો...
• બાળપણ - વિજ્ઞાનમાં રુચિ વિશે...
મધ્ય પ્રદેશના કટની જિલ્લાનું કૈમોર ગામ મારું વતન. અહીં જ મારો જન્મ થયો હતો. બાળપણમાં જ્યારે ગામમાં રાત્રે વીજળી ચાલી જતી ત્યારે કલાકો સુધી ચંદ્રને નિહાળ્યા કરવાનું મને ગમતું. આ ગામમાં રહીને જ મેં ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો. સ્કૂલના અભ્યાસ વખતે નીલ આર્મસ્ટ્રોંગનો ચંદ્ર પર ડગ માંડતો વીડિયો નિહાળીને ચંદ્ર પ્રત્યેનું આકર્ષણ વધારે પ્રબળ બન્યું. માતા અને પિતા આ વિશે ઘણી વાતો કરતા. પિતા શિક્ષક હતા. તેમની વાતો બાદ મને આ વિષયમાં વધુ રસ પડ્યો.
• સ્પેસ સાયન્સમાં અભ્યાસ વિશે...
પરિવારમાં પહેલેથી જ શિક્ષણનો આગ્રહ એટલે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન જબલપુરમાં કર્યું. હાયર એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદ ફેલોશીપના રિસર્ચર તરીકે અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં આવવાનું થયું ત્યારે એ દિવસોમાં ચંદ્રયાન-૧ મિશનની તૈયારી ચાલી રહી હતી. એ પછી જર્મની, અમેરિકામાં વસવાટ દરમિયાન અભ્યાસ-સંશોધનનો વ્યાપ વધતો ગયો. (ડો. મેઘા એપ્રિલ ૨૦૧૮થી પીઆરએલ-અમદાવાદમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે).
• ચંદ્રયાન-૨ મિશન વિશે...
ચંદ્રયાન-૨ એક ચેલેન્જિગ મિશન છે. તેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર છે. આ મિશન ટેકનોલોજીની રીતે અત્યંત મહત્ત્વનું છે. ચંદ્રયાન-૨ પૃથ્વીની નજીકની બાજુએ હાયર લેટિટ્યુડમાં લેન્ડ કરશે. આ જગ્યાએ લેન્ડ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બનશે. જે સ્થળે ચંદ્રયાન-૨નું લેન્ડર ‘વિક્રમ’ ઉતરાણ કરશે તે જગ્યા પૃથ્વી તરફની હશે. તેના કારણે સિગ્નલ અને ટ્રાન્સમિશન મળશે. આ એ જ ભાગ છે જે આપણે પૃથ્વી પરથી જોઇ શકીએ છીએ. આ મિશન થકી પહેલી વાર આપણે ચંદ્રની સપાટીનું ઓબ્ઝર્વેશન અને રિસર્ચ કરી શકીશું.
• મિશનના મહત્ત્વ વિશે...
ચંદ્રયાન-૨ મિશન આપણી ટેકનોલોજીકલ કેપેસીટીનું ડેમોસ્ટ્રેશન છે. આપણે પહેલી વાર ચંદ્ર પર લેન્ડ કરીશું. પહેલીવાર રોવર મોકલી રહ્યા છીએ તેથી તે કેવી રીતે લેન્ડ થાય તથા તેને કેવી રીતે મેનેજ કરાય એનું ડિટેલીંગ મળશે. જે ભવિષ્યમાં બહુ કામ લાગશે. તેનાથી આપણા દેશનો આત્મવિશ્વાસ વધશે. આ વિષય જેટલો જટિલ છે એટલો જ રસપ્રદ છે. ઘણા બધા મિશનો-કાર્યક્રમો પાઇલપલાઇનમાં છે. એટલે જો યુવાનો આ ક્ષેત્રે જોડાશે નહીં તો ધાર્યું પરિણામ નહીં મળે. આ જ દિશામાં પીઆરએલ પણ કામ કરે છે. અહીં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ - રિસર્ચ જેવા એક્સપોઝર આપે છે. આગામી સમયમાં હું પણ મારા ખગોળીય અભ્યાસને વધુ વિસ્તારીશ.
• મિશનમાં પોતાની ભૂમિકા વિશે...
‘ચંદ્રયાન-૨’માં મારું કામ રિસર્ચનું છે. ચંદ્રયાન-૨ જે કંઇ પણ ડેટા મોકલશે તેનું હું એનાલિસિસ કરીશ. મારું કામ ખનીજ તત્ત્વો તથા પાણીના તત્ત્વ પર રિસર્ચ કરવાનું રહેશે. ત્યાં રહેલા મેગ્નેટ, મેગ્નેશિયમ જેવા ખનીજ તત્ત્વો કેવા પ્રકારના છે. તેનું પ્રમાણ કેવું છે. કેવી રીતે તે આકાર પામ્યા છે વિગેરે તેમ જ પહેલા તે લાવા હતો તો કેવી રીતે ક્રિસ્ટલાઇઝ થયા હશે વિગેરેનો અભ્યાસ થશે. તેના આધારે તેની રચના અને નિર્માણપ્રક્રિયાનો ખ્યાલ આવતો હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter