ચાતુર્માસના પ્રારંભ સાથે લગ્નસરાના ગાળાને ચાર માસનો વિરામ

Saturday 16th July 2022 06:13 EDT
 
 

અમદાવાદઃ હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતી દેવપોઢી એકાદશીની વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના-મહાઆરતી સાથે ભારે ધર્મમય માહોલમાં રવિવારે ઉજવણી થઇ તે સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થયો છે. ચોથી નવેમ્બરે દેવઉઠી એકાદશીએ એટલે કે કારતક સુદ એકાદશીએ ચાતુર્માસ પૂરા થશે અને તુલસી વિવાહના આરંભ સાથે જ લગ્ન સહિતના માંગલિક કાર્યોનો આરંભ થશે. જોકે લગ્નમુહૂર્ત માટે 25 નવેમ્બર સુધી રાહ જોવી પડશે. વિવિધ ધર્મકથાઓને આધીન અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવશયની (અથવા તો હરશયની) એકાદશીથી ચાર માસ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં ચાલ્યા જાય છે અને વિશ્વનું નિયંત્રણ શિવજીને સોંપી દે છે. આ કારણસર જ શ્રાવણમાં શિવજી, ભાદરવામાં ગણેશજી, આસોમાં માતાજીની આરાધના-પૂજાનું મહાત્મય છે. આ સમયમાં લગ્ન, જનોઇ, વાસ્તુ જેવા માંગલિક કાર્યો થતાં નથી.
ચાતુર્માસમાં ભોજનની પરેજી
ચાતુર્માસમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો એમ ચાર માસનો સમાવેશ થાય છે. ચાતુર્માસ દરમિયાન શ્રાવણમાં શાક અને લીલી ભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળ આરોગવી વર્જિત માનવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન હિન્દુઓમાં કોઇ માંગલિક કાર્યો કરાતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter