ચાર ખાનગી એરલાઇન્સે સર્વે કર્યા પણ ફ્લાઇટ શરૂ ના કરી

કોણે સર્વે કર્યોઃ કેન્યા, શ્રીલંકન, લુફથાન્સા, ડેલ્ટા

Monday 06th July 2015 08:35 EDT
 

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રવાસીઓની અવરજવર વધી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ચાર ખાનગી એરલાઇન કંપનીઓએ તેમની ફ્લાઇટ બંધ કરવાની ફરજ પડી છે. તો અન્ય ચાર કંપનીઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા સર્વે કર્યો હતો. પરંતુ હજુ સુધી એક પણ ફ્લાઇટ શરૂ થઈ નથી અને તેમનો પ્લાન મોકુફ રાખ્યો છે. એરલાઇન કંપનીઓ કહે છે કે, એરપોર્ટના ખાનગીકરણ બાદ નવી ફ્લાઇટ શરૂ કરવાનું વિચારીશું. મહત્ત્વનું એ પણ છે કે, બ્રિટિશ એરવેઝ અને આફ્રિકન દેશની એક એરલાઈન કંપની સર્વે કરવા આવવાની હતી પરંતુ હજુ સુધી તેમાં કોઇ વાત આગળ વધી નથી.

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અત્યારે એર ઇન્ડિયા, દુબઈ, સ્પાઇસજેટ, જેટ એરવેઝ, કતાર, એર અરેબિયા સહિત વિવિધ એરલાઇન કંપનીઓ ફ્લાઇટ ઓપરેટ કરે છે. પરંતુ નવી ફ્લાઇટ શરૂ કરવામાં એરલાઈન કંપનીઓને રસ નથી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શ્રીલંકન, કેન્યા, ડેલ્ટા, લુફથાન્સા સહિતની એરલાઈન કંપનીઓએ ફ્લાઇટ શરૂ કરવા એરપોર્ટ પરની સુવિધા તેમ જ પેસેન્જર ટ્રાફિકનો સર્વે કર્યો હતો. એરલાઈન કંપનીના સૂત્રો કહે છે કે અમદાવાદ એરપોર્ટ પર પરિસ્થિતિ અલગ છે. પેસેન્જર ટ્રાફિક જોઈએ તેટલો મળતો નથી. બીજું કે સસ્તી ટિકિટ માટે ગુજરાતીઓ મુંબઈ અને દિલ્હી પણ જવા તૈયાર થાય છે. આમ એરલાઇન કંપનીઓ વચ્ચે ચાલતી ગળાકાપ સ્પર્ધામાં પ્રવાસીઓ મળવા મુશ્કેલ છે, ફ્લાઇટની સીટની ક્ષમતાની સામે ૭૫થી ૮૦ ટકા પ્રવાસીઓ મળે તો જ એરલાઇન કંપનીને પરવડે તેમ છે. અગાઉ મુસાફરો ન મળવાના કારણે અમદાવાદ-થાઇલેન્ડની થાઈ સ્માઇલ, અમદાવાદ-કુઆલાલુમ્પુરની મલિન્દો એરવેઝ અને અમદાવાદ-લંડનની જેટ, ઇન્ટ્રા સ્ટેટ માટે ડેક્કન શટલ અને તાજેતરમાં મહેર એવિએશને ફ્લાઇટ બંધ કરી છે.

એરલાઇન કંપનીઓ કહે છે કે એરપોર્ટ પર પ્રવાસીઓને જ સુવિધા મળવી જોઈએ તે મળતી નથી. એરપોર્ટ ઓથોરિટીની કોઈપણ પ્રકારની મંજૂરી લેવાની હોય તો હેરાનગતિનો સામનો કરવો પડે છે. જો એરપોર્ટનું ખાનગીકરણ થાય તો પ્રવાસીઓને અવનવી સુવિધા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter