અમદાવાદઃ અષાઢનો પ્રથમ દિવસ....
અમદાવાદમાં તે દિવસે ‘આષાઢની સાંજ’ યાદગાર બની ગઈ.
પ્રસંગ હતો ગુજરાત સાહિત્ય અકાદમી અને સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત ‘સંસ્કૃતોત્સવ’નો. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પારેખ સભાખંડમાં ભરચક્ક શ્રોતાઓની વચ્ચે આ કાર્યક્રમ થયો. ગુજરાતનાં અનેક ખૂણેથી સંસ્કૃતપ્રેમીઓ હાજર હતા.
વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત પંડિતોમાં ડો. નરેશ ભગવતીશંકર ભટ્ટ (વલસાડ), મેહુલકુમાર ખેલશંકર ભટ્ટ (પેટલાદ), ડો. કપિલ દેવ હરેકૃષ્ણ શાસ્ત્રી (વડોદરા)નું ગૌરવનિધિ, સ્મૃતિ ચિહન અને શાલથી સન્માન કરવામાં આવ્યું. આ પંડિતો યજુર્વેદ, વિવિધ શાસ્ત્રો, અથર્વવેદ, ઋગવેદ, શુકલ યજુર્વેદના પારંગત નિષ્ણાતો છે.
ગુજરાતમાં સંસ્કૃત ભાષાની અને શાસ્ત્રોની પરંપરા ખંડિત થઈ નથી તેનાં ઉદાહરણો અનેક છે. અકાદમીએ ૨૩ સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કારો આપ્યા તે બધાં જાણીતા નામો છે. ડો. જે. જે. પંડ્યા, મુકુન્દરાય ભટ્ટ, ડો. હરિપ્રસાદ શાસ્ત્રી, મણિભાઈ પ્રજાપતિ, સુરેશચંદ્ર દવે, ડાહ્યાભાઈ શાસ્ત્રી, ડો. રાજેન્દ્ર નાણાવટી, મનસુખભાઈ સાવલિયા, ડો. લક્ષ્મેષ જોશી ઉપરાંત યુવા સંસ્કૃત ગૌરવ પુરસ્કારો અપાયા છે. ૧૯૭૦થી ૨૦૧૭ સુધીમાં ૧૪૦ સંસ્કૃત પંડિતોનું સંસ્કૃત-ગુજરાતી અકાદમીએ સન્માન કર્યું.
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે એક એવા પરિવારને પણ સન્માનિત કરાયો, જ્યાં નાનકી દીકરીઓ સહિત માતા-પિતા ઘરમાં સંસ્કૃત ભાષામાં જ બોલે છે! આ વખતે જાહનવી દીપેશ કતિરા પરિવારનું અભિવાદન થયું, તેમાં ચાર વર્ષની નિત્યા પણ ખરી! પ્રહલાદ જોશીએ આ પ્રસંગનું ફેસબુક પર સરસ વર્ણન કર્યું છેઃ ‘ગઈ રાત્રે (૨૪ જૂન) અષાઢના પ્રથમ દિવસે ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે આ કાર્યક્રમ થયો. હું ફોટો લેવા જઈ રહ્યો હતો તો ચાર વર્ષની નિત્યા (જાહનવી-દીપેશ કતિરાની પુત્રી)એ કહ્યુંઃ ‘મમ છાયાચિત્રમ ન કરણીયમ્!’ આ કન્યાની પ્રથમ ભાષા સંસ્કૃત પછી કચ્છી અને ત્યાર બાદ ગુજરાતી છે! દીપેશભાઈના મોટાભાઈ મુંબઈ રહે છે તેનો પરિવાર પણ સંસ્કૃતમાં જ બોલે. નિત્યા કરતાં મોટી પુત્રી મૈત્રી સંસ્કૃત – કચ્છી - ગુજરાતી - મરાઠી - મારવાડી - હિન્દી અને અંગ્રેજી બોલે છે!’
કાર્યક્રમમાં ભૈરવી ત્રિવેદીએ પ્રારંભે સંસ્કૃત સ્વર લહેરાવ્યા. ડાહ્યાભાઈ શાસ્ત્રી, સંસ્કૃત ભારતીના સંગઠન મંત્રી દિનેશ કામત, પ્રદેશ પ્રમુખ નિરુલા, નરેશ ભટ્ટ વગેરેનું ઉદબોધન થયું.
ગુજરાત સાહિત્ય અકાદમી સહિત છ ભાષાની અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ સંસ્કૃત ભાષા જ નહીં, સંસ્કૃતિનો ઉદઘોષ ગણાવ્યો. વૈશ્વિક સમાજને માટે પથદર્શક એવું સંસ્કૃતમાં પડ્યું છે તેનો પરિચય આપીને જણાવ્યુંઃ સંસ્કૃતનો અર્થ જ ‘સભ્ય’ અને ‘સાંસ્કૃતિ’ થાય છે, બીજી કોઈ ભાષાનું આવું નામ નથી!
કાર્યક્રમનું સંચાલન પણ સંસ્કૃત ભાષામાં, મિહિર ઉપાધ્યાયે કર્યું.


