અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ચી. હ. નગરી હોસ્પિટલમાં અવાસ્ટીન ઇન્જેક્શન આપ્યા બાદ ૧૫ દર્દીઓએ આંખની રોશની ગુમાવી હતી, પણ હોસ્પિટલના અનુભવી તબીબોએ ૧૫ દર્દીઓની દૃષ્ટિ પરત આવે તે માટે તાબડતોડ ઓપરેશન કર્યાં હતાં જેમાં અનુભવી તબીબોની ટીમે એવી આશા સેવી છે કે, તાત્કાલિક અપાયેલી સારવારથી અગામી ચાર અઠવાડિયામાં ૧૫ પૈકીના ૧૪ દર્દીઓની આંખની રોશની પરત આવે તેવી આશા છે. જોકે, એક દર્દીને આંખને વધુ નુકશાન થયું છે જેથી તેમણે લાંબો સમય આંખની રોશની મેળવવા રાહ જોવી પડશે.
• ડેન્ટિસ્ટ, એમફિલના વિદ્યાર્થીઓએ કંડક્ટરની નોકરી સ્વીકારીઃ હાલમાં એસટી નિગમમાં કંડક્ટરોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ડેન્ટિસ્ટ, એમફિલ, એમએડ, એલએલબી, માસ્ટર ડિગ્રી જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ કંડક્ટરની નોકરી માટે અરજી કરીને નોકરી સ્વીકારી પણ છે. ધોરણ ૧૨ની લાયકાત વાળી આ કંડક્ટરની નોકરીમાં જોડાયેલા તમામ યુવક-યુવતીઓને હાલ પાંચ વર્ષ સુધી રૂ. ૭૮૦૦ ફિક્સ પગાર મળશે અને ત્યાર બાદ તેઓને કાયમી કરાશે.
• સરકાર RTEનો કડક અમલ કરેઃ હાઇ કોર્ટઃ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તમામ શાળાઓમાં ગરીબ અને પછાત વર્ગના બાળકો માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈઓનો યોગ્ય અમલ નહીં થવા સામે થયેલી જાહેરહિતની રિટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ વી. એમ. પંચોલની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કરી આ કાયદાના યોગ્ય પાલન માટે આદેશ આપ્યો છે.
• ભૂમાફિયા ચંદનસિંહ ચંપાવત પાસા હેઠળ જેલમાંઃ અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી વૈભવી હોટેલ તાજના માલિક ઉમેદસિંહ ચંપાવતના ભાઇ ચંદનસિંહ ચંપાવત સામે જમીન અને મિલકત પચાવી પાડવાની ફરિયાદો પછી ક્રાઇમ બ્રાંચે ભૂમાફિયા ચંદનસિંહની ધરપકડ કરીને પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલી આપ્યો છે.
• વિદેશ જવા નીકળેલા ૩૦ લોકોની કિડની કાઢી લેવાઈઃ કબૂતરબાજીથી વિદેશ જવા નીકળેલા ૩૦ લોકોની શ્રીલંકામાં મેડિકલ ચેકઅપના બહાને કિડની કાઢી લેવાયાની ઘટના અંગે તેલંગાણા રાજ્યની પોલીસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ માગી છે. આ કેસમાં સંડોવાયેલા અમદાવાદના સુરેશ પ્રજાપતિ અને દિલીપ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે કૌભાંડમાં સંડોવાયેલા મંબઈના આરોપી ધવલ દારૂવાલાની ધરપકડ કરવા ક્રાઇમ બ્રાન્ચે કવાયત હાથ ધરી છે.
• જિલ્લા ભાજપના પ્રમુખપદે નૈલેષ શાહ પુનઃ નિમાયાઃ ૧૫મી જાન્યુઆરીએ ગાંધીનગરના સ્ટાફ ટ્રેનિંગ કોલેજના હોલમાં અપેક્ષિતોની હાજરીમાં મળેલી બેઠકમાં જિલ્લા સંરચના અધિકારી શ્રી ભગવાનદાસ પંચાલે શ્રી નૈલેષ શાહની પુનઃ પસંદગી અંગેની
વિધિવત જાહેરાત કરી હતી. આ બેઠકમાં જિલ્લાના પ્રભારી પ્રધાન શ્રી નીતિનભાઈ પટેલ તથા સાંસદ જયશ્રીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

