અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના નવા માળખાને આખરી ઓપ મળે તે પહેલાં જ કોંગ્રેસમાં જૂથવાદ શરૂ થયો છે. કોંગ્રેસમાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા વચ્ચે શીતયુદ્ધ ચાલુ થયો છે. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી પક્ષ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના માનીતાઓને હોદ્દા અપાતા નારાજ છે. જેથી પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઝોનલ પ્રભારીની બેઠકમાં તેઓની ગેરહાજરી સૂચક હતી. સૂત્રો કહે છે કે, કોંગ્રેસના ધારાસભ્યો હાલમાં બે જૂથોમાં વહેચાયેલાં છે જેનો લાભ લઇ અમિત ચાવડાએ ઘણાં ધારાસભ્યોને સંગઠનની કામગીરીમાં જોતર્યાં છે. જોકે ધાનાણીને સંગઠનમાંથી દૂર રખાયા હોય તેમ લાગે છે. બીજી તરફ, ધાનાણી પોતાની રીતે રેલી, બેઠકો યોજે છે. આ તરફ, અલ્પેશ ઠાકોર સહિતના કેટલાક નેતાઓ ચૂપચાપ તમાશો નિહાળી રહ્યાનું કહેવાય છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઝોનલ પ્રભારી, જિલ્લા નિરીક્ષકોની પાંચમીએ બેઠક મળી હતી જેમાં ધાનાણી નહોતા. બેઠકમાં ૬૦ વર્ષથી વધુ વયના કોંગ્રેસી નેતાઓને પ્રમુખનો હોદ્દા નહીં અપાય અને તેમને મોભારૂપ સંગઠનમાં માર્ગદર્શક બનાવાશે તેવું નક્કી કરાયું હતું.

