અમદાવાદઃ સાહિત્યકાર ચિનુ મોદી ‘ઇર્શાદ’નું ૭૮ વર્ષની વયે નિધન થયું છે. ૧૫મી માર્ચે તેમને હાર્ટ એટેક આવ્યા પછી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલ એચસીજીમાં ખસેડાયા હતા. જોકે, રવિવારે બપોરે તેમને હોસ્પિટલેથી તેમનાં નિવાસસ્થાને લઇ આવ્યા હતા. ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં. ચિનુ મોદીની વિદાયથી ગુજરાતે એક પ્રખર ગઝલકાર, નાટ્યકાર, સ્ક્રિપ્ટ રાઇટર તથા પ્રાધ્યાપક-વિવેચક ગુમાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના મહાનુભવો તથા ગુજરાતી સાહિત્ય અને સંસ્કાર જગતના મોભીઓએ ચિનુ મોદીના નિધનથી શોકની લાગણી વ્યક્ત કરી છે. ચિનુ મોદીએ દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો તેથી તેમની અંતિમવિધિ યોજાઈ નહોતી.
એચસીજીના તબીબ ડો. ભરત ગઢવીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારથી ચિનુ મોદીની તબિયત સારી નહોતી. તેમની કિડની ડેમેજ થઇ ચૂકી હતી અને શરીરના એકથી વધુ અંગોએ કામ કરવાનું બંધ કર્યું હતું. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા. છેવટે, રવિવારે બપોર પછી પાલડીમાં આવેલા તેમના નિવાસસ્થાને લઇ જવાયા હતા. ઘરે પણ તેમને તેમના પુત્ર દ્વારા CPR (કાર્ડિયોપલ્મોનરી રિસક્સિટેશન) અપાયું હતું, પરંતુ તેમણે રવિવારે મોડી સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના દેહનું વાડીલાલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી એનએચએલ મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સમાચાર (યુકે)માં અગાઉ પ્રસિદ્ધ થતી ચિનુ મોદીની હાસ્ય કટાર ‘નટવર ધ નિર્દોષ’ ખૂબ જ લોકચાહના પામી હતી. આ કટારના હાસ્ય લેખો ‘નટવર ધ નિર્દોષ’ પુસ્તક સ્વરૂપે પ્રગટ થયા હતા. પુસ્તકનું વિમોચન જાન્યુઆરી, ૨૦૧૦માં રાજકીય અગ્રણી અશોક ભટ્ટના હસ્તે કરાયું હતું.


