ચિન્મય મિશન - અમદાવાદના સુવિખ્યાત પરમધામ મંદિર ખાતે જન્માષ્ટમી પર્વે ૧૧મી ઓગસ્ટે વહેલી સવારે ભગવાન શ્રી વેણુગોપાલને વિશેષ અભિષેકપૂજા કરીને સુંદર અલંકારોથી શોભિત કરાયા હતા. આ પ્રસંગે વિષ્ણુસહસ્રનામ અર્ચના, સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પારાયણ અને સત્સંગ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરાઇ હતી. રાત્રે ગીતાજીના હાર્દ સમા ૧૫મા અધ્યાયનું ગાન કરવામાં આવ્યું હતું અને તે પછી ભક્તિસંગીતથી ભગવાનનાં ગુણગાન કરીને મહાઆરતી સાથે કૃષ્ણકનૈયાના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. કોરોના મહામારીના કારણે સમગ્ર કાર્યક્રમોનું ચિન્મય ચેનલ અને પરમધામ યુ-ટ્યૂબ ચેનલ પર પ્રસારણ કરાયું હતું, જેથી લોકો ઘરેબેઠા આ ઉત્સવમાં જોડાઈ શકે. દેશ-વિદેશમાં વસતાં ભાવિકો મોટી સંખ્યામાં ઓનલાઇન ઉજવણીમાં જોડાયા હતા અને ભગવાનને પોતાના હૃદયમાં જ્ઞાન અને ભક્તિ રૂપે અવતરવા વિનવ્યા હતા. સાથે સાથે જ આ કપરા સમયનો મક્કમતાથી સામનો કરી શકવા સૌને સક્ષમ બનાવવા પ્રાર્થના કરી હતી.


