ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આવકારવા નરેન્દ્ર મોદી અને અમદાવાદ આતુર

Friday 12th December 2014 07:53 EST
 
 

ચીનના પ્રમુખ શી જિનપિંગ બે ખાસ વિમાનમાં સૌથી વધુ બિઝનેસ ટાઇકુન સાથે શ્રીલંકાના પ્રવાસેથી ભારતના પ્રવાસે આવી રહ્યા છે અને આ તેમનો પ્રવાસ સીધો ગુજરાતથી પ્રારંભ થશે. આ સૌભાગ્યને વધુ ચાર ચાંદ લગાવે એવી ઘટના એ પણ છે કે ચીનના પ્રેસિડેન્ટનું સ્વાગત ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે કરશે અને એમની ઉપસ્થિતિમાં વેપાર અને વાણિજ્યના કરારો પણ થશે. જોગાનુજોગ બુધવારે મોદીનો ૬૪મો જન્મદિન પણ છે. જાપાન અને અમેરિકાએ ગુજરાત સાથે વેપાર અને વાણિજ્ય સંબંધોને નવી દિશા આપી છે તેના પગલે હવે ચીન પણ મોટાપાયે ગુજરાત સહિત ભારતમાં રોકાણ કરી રહ્યું છે. એમાં પણ ગુજરાતમાં ચીનની કંપનીઓએ એક અલગ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે દેશના ઓટો હબ તરીકે ઊભરેલા સાણંદ પર પસંદગી કરી હોવાનું જાણવા મળ્યું છે.

જિનપિંગનું ભવ્ય સ્વાગત થશે

ભારત-ચીન વચ્ચેના નવા સંબંધોનો અધ્યાય ગુજરાતની ધરતી પરથી લખાવાનો હોવાથી જિનપિંગ અને તેમના ધર્મપત્ની પેંગ લિયુઆન અમદાવાદ પાંચેક કલાક માટે આવશે ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે. રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સહિતના અગ્રણીઓ એમનું સ્વાગત કરશે. ત્યાંથી પ્રમુખ વસ્ત્રાપુર ખાતેની હોટલ ગ્રાન્ડ હયાત ખાતે પહોંચશે. જ્યાં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભારતીય પરંપરા સાથે સ્વાગત કરશે. આ દરમિયાન ચીનનું વિશાળ ડેલિગેશન પણ હોટેલ પર પહોંચશે. હોટલમાં પ્રમુખ અને વડા પ્રધાન વચ્ચે મંત્રણા થશે અને પછી તેમની હાજરીમાં બન્ને દેશોના ૧૮૦ જેટલા ડેલિગેટ્સ વચ્ચે બેઠક યોજાશે. જેમાં ૮૦ ચીનના તેમ જ ૧૦૦ જેટલા ભારતીય, ગુજરાતના ડેલિગેટ્સ રહેશે. આ માટે સુધીર મહેતા, ગૌતમ અદાણી, કરશનભાઇ પટેલ, તુલસી તંતી, પરિમલ નથવાણી સહિતના પચાસથી વધારે ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં જ ત્રણ મહત્ત્વના કરાર થશે. જેમાં ચીનના રાજ્ય એવા ગ્વાન્ગડોંગ સાથે ગુજરાત સરકાર સિસ્ટર સ્ટેટ માટે તેમ જ અન્ય એક સિટી ગ્વાન્ગ્ઝોઉ સાથે અમદાવાદ મહાનગરપાલિકા સાથે કરાર થશે.

રિવરફ્રન્ટ પર ‘વોક ધ ટોક’

હોટેલ હયાતથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ ગાંધી આશ્રમની મુલાકાતે જશે. જ્યાં તેઓ ગાંધીજી દ્વારા સ્થાપિત આશ્રમ અને સાથે સંકળાયેલી ચીજ-વસ્તુઓને નિહાળશે.. ત્યારબાદ સહુ રિવરફ્રન્ટ પાર્કની મુલાકાતે જશે. જ્યાં નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે ‘વોક ધ ટોક’ અને ડિનર ડિપ્લોમસી થશે. આ માટે રિવરફ્રન્ટ પર ઊભા કરાયેલા વિશેષ ડોમને એકદમ ગુજરાતી સ્પર્શ આપવામાં આવ્યો છે. આપણી ગુજરાતી સંસ્કૃતિમાં ઘરમાં હીંચકાનું વિશેષ મહત્ત્વ છે. જેને જાળવી રાખવા રિવરફ્રન્ટ ખાતે બન્ને મહાનુભાવો માટે ખાસ સંખેડાના લાકડાનો હીંચકો ખાસ ગોઠવાયો છે. તેના પર પણ બેસીને બંને મહાનુભાવો ચર્ચા કરે તેવી સંભાવના છે. કચ્છી ભાતના તોરણો તેમ જ દીવાલ પર પેચ લગાવીને ચીની પ્રતિનિધિ મંડળને ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવશે. અહીં બન્ને મહાનુભાવો વીસ મિનિટ સુધી રિવરફ્રન્ટ પાર્કમાં વોક કરશે ત્યારે પ્રમુખના પત્ની સાથે આનંદીબહેન પટેલ અને અન્ય પ્રધાનો એમ્પી થિયેટરમાં ચીનના પ્રતિનિધિઓ સાથે ખાસ ગામઠી ખાટલા પર બેસીને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણશે. આ માટે રિવરફ્રન્ટ પર છેલ્લાં એક અઠવાડિયાથી તૈયારી ચાલી રહી છે. જિનપિંગના આગમન સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઇટમાં પણ હોમપેજ પર ગુજરાતમાં મળેલા બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિના વારસાને દર્શાવતી તસવીરો અને નકશાનું વર્ણન અંગ્રેજી તેમ જ ચીનની મેન્ડરીન ભાષામાં કરાયું છે. મોદીએ ટ્વીટ કરીને ઉલ્લેખ કર્યો છે કે ચીન અને ભારત વચ્ચે બૌદ્ધ ધર્મ બન્નેને જોડતી મજબૂત કહી છે તેમ જ ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મનો સમૃદ્ધ વારસો જળવાયેલો છે.

૧૫૦ જાતની ગુજરાતી વાનગી

ચીનના રાષ્ટ્ર પ્રમુખને રિવરફ્રન્ટ પર ગુજરાતની ઓળખ સમાન ૧૫૦ પ્રકારની વાનગીઓ પીરસાશે. આ માટે હોટલ તાજના સંચાલકોએ દિલ્હી-મુંબઇથી પણ ખાસ સેફને બોલાવ્યા છે. આ શાહી ડીનરમાં ભારત તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને તેમના પાંચ કેબિનેટ પ્રધાનો, મુખ્ય સચિવ ડો. વરેશ સિન્હા, કેન્દ્રીય રાજ્ય પ્રધાન મનસુખ વસાવા, વડા પ્રધાન કાર્યાલયના અગ્ર સચિવ તથા વિદેશ મંત્રાલયના એક-બે અધિકારીઓ મળીને કુલ ૧૧ વ્યકિતઓ સામેલ થશે. એ જ રીતે ચીન તરફથી ૧૧ મહાનુભાવો શાહી ડીનરમાં જોડાશે. આ ઉપરાંત રિવરફ્રન્ટ ખાતેના બે કલાકના રોકાણ દરમિયાન ગુજરાતના વિવિધ પ્રકારના રાસ-ગરબા, ડાંગી નૃત્યના શોનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાંજે ડિનર પછી ચીનના પ્રમુખ અને વડા પ્રધાન મોદી જુદાજુદા વિમાનમાં નવી દિલ્હી જશે.

કડક સુરક્ષા વ્યવસ્થા

નરેન્દ્ર મોદી અને જિનપિંગનો વિશ્વના એવા સૌથી ઉચ્ચ નેતામાં સમાવેશ થાય છે જેમની સુરક્ષા સામે ગંભીર ખતરો છે. આથી આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કડક અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧૫૦૦ પોલીસનું અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવાયું હતું. રિવરફ્રન્ટ સામેના હાઇરાઇઝ બિલ્ડિંગોમાં પણ પોલીસ તહેનાત કરવામાં આવી હતી. જિનપિંગ જે રસ્તા પરથી પસાર થયા હતા ત્યાં પણ અગાઉ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter