ચીનનો પ્રવાસ ટાળોઃ ગુજરાતના વેપારી એસોસિએશનને આદેશ

Wednesday 05th February 2020 05:20 EST
 

અમદાવાદઃ જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહથી તો કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે અને અન્ય દેશોમાં પણ તે ઝડપથી પ્રસરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી ચીનના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ જોતાં ગુજરાતના ફાર્મા, ટાઇલ્સ સહિત વિવિધ સેક્ટરના વેપારી મંડળો અને કોર્પોરેટ ગૃહોને હાલ પુરતા ચીનનો પ્રવાસ ન કરવા સલાહ અપાઇ છે. આ સાથે ગુજરાતના ટ્રાવેલ્સ એજન્ટોને ય આ મુદ્દે જાણ કરાઇ છે.
ચીનમાં કોરોના વાયરસના ભયથી ગુજરાતીઓ વિદ્યાર્થીઓ ઉપરાંત ધંધાર્થીઓ વતન પરત ફરી રહ્યાં છે. અધિકારીક સૂત્રોના મતે, કુલ મળીને ૨૧૫થી વધુ ચીનથી પરત ફર્યાં છે.
આ ઉપરાંત ભારત સરકારના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ તરફથી યાદી મળતા ચીનથી પરત ફરેલાં પ્રવાસીઓનું મેડિકલ ચેકઅપ થયું છે. વાયરસના એપી સેન્ટર વુહાનમાંથી આવેલા બે ગુજરાતીઓના લોહીના સેમ્પલ લેવાયાં છે જેમાંથી એકનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.
જૂનાગઢના ચાર તબીબી વિદ્યાર્થી હેમખેમ પરત ફર્યા
રાજકોટ, થાનગઢ, જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થીઓ ચીનમાં તબીબી અભ્યાસ કરે છે. શાંઘાઇમાં મેડિકલનો અભ્યાસ કરતા સૌરાષ્ટ્રના ચાર વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર અને વિદેશી મંત્રાલયના પ્રયાસોથી હેમખેમ વતન આવ્યા છે. અલબત્ત જૂનાગઢના વિદ્યાર્થીઓના વાલીઓમાં કોરોના વાયરસના ભયના લીધે ચિંતા વ્યાપી હતી. પરંતુ તે વિદ્યાર્થી પરત ફરતા તેના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter