ચીની કંપની SAICની જાહેરાતઃ હાલોલ જીએમ પ્લાન્ટ ખરીદી લીધો

Wednesday 12th April 2017 08:46 EDT
 
 

વડોદરા: ચીનની ઓટો જાયન્ટ કંપની એસએઆઇસીએ હાલોલનો જનરલ મોટર્સ પ્લાન્ટ ખરીદી લીધાની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે, ચાઇનીઝ કંપનીએ આ વેચાણ માટે જનરલ મોટર્સ સાથે કરાર થઇ ચૂક્યા હોવાની જાહેરાતથી વિશેષ કોઇ વિગતો આપી નથી. એસએઆઇસી દ્વારા જનરલ મોટર્સનો હાલોલ પ્લાન્ટ ખરીદવાની દિશામાં લાંબા સમયથી હિલચાલ ચાલી જ રહી હતી. એસએઆઇસીએ આ અંગે ભારતમાં તમામ સત્તાવાર સરકારી પરવાનગીઓ પણ મેળવી લીધી હતી. જોકે, હાલોલ પ્લાન્ટના કામદારો જનરલ મોટર્સ કંપની સાથે સંઘર્ષમાં ઉતર્યા હતા. જ્યારે ચીનની કંપની કામદારોના લેણાંની કોઇ જવાબદારી વિના પ્લાન્ટ અને મશીનરી જ ખરીદવા માટે ઇચ્છુક હતી. એસએઆઇસીએ શાંઘાઇ સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે તેણે જનરલ મોટર્સ સાથે હાલોલનો પ્લાન્ટ ખરીદવા માટેના કરાર પર હસ્તાક્ષર કરી લીધા છે. હાલોલ પ્લાન્ટ બંધ કરવાના જનરલ મોટર્સના નિર્ણય સામે ૬૫૦ કામદારોએ વિરોધ નોંધાવી કાળી પટ્ટી ધારણ કરી આંદોલન શરૂ કર્યું હતું. આ કામદારોને વોલન્ટરી સેપરેશન સ્કિમ ઓફર કરવામાં આવી હતી. તેમાંથી ૧૦૦ જેટલા કામદારોએ જનરલ મોટર્સના તાલેગાંવ પ્લાન્ટ ખાતે બદલીનો વિકલ્પ પણ સ્વીકારી લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter