અમદાવાદઃ ગુજરાતના કોર્પોરેટ જગતના દિગ્ગજ, સખાવતી, દીર્ઘદૃષ્ટા, શિક્ષણ શાસ્ત્રી અને વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા ચીનુભાઈ આર. શાહનું સાતમીએ મોડી રાત્રે ૮૨ વર્ષની વયે અવસાન થયું હતું. સદગતનું બેસણું નવમીએ રાખવામાં આવ્યું હતું. કડી જેવા નાના ગામડાના સાધારણ પરિવારમાં ઉછરેલા ચીનુભાઈ અસાધારણ વ્યક્તિ પ્રતિભા ધરાવતા હતા.
જીસીસીઆઇ અને એએમએના પ્રમુખપદે રહી ચૂકેલા ચીનુભાઈ આઇઆઇએમના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય ઉપરાંત આઇટીસી, સેબી, જીટકો, ટોરેન્ટ, કેડીલા ફાર્મા, મેઘમણિ ગ્રૂપ, અપોલો હોસ્પિટલ અને નિરમાના ડિરેક્ટર રહી ચુક્યા હતા. તે ઉપરાંત કિડનીના રોગો માટે કામ કરતી સંસ્થા ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ હતા. શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સાથે સંકળાયેલા ચીનુભાઇ શાહની શૈક્ષણિક કારકિર્દી ખૂબ તેજસ્વી હતી. એમ.એ. તથા એલ.એલ.એમ.માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વર્ષો સુધી તેમણે શહેરની જાણીતી લો તથા કોમર્સ કોલેજોમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. લગભગ ૧૨ વર્ષ સુધી આઈઆઈએમ અમદાવાદમાં મુલાકાતી પ્રધ્યાપક રહ્યા હતા. છેલ્લા 30 વર્ષથી તેઓ કડી કેળવણી મંડળ સંસ્થાના પ્રમુખપદે હતા, મંડળના નેજા હેઠળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે.

