ચૂંટણી માહોલ વચ્ચે વાવાઝોડા ‘ઓખી’ની અસર

Wednesday 06th December 2017 06:16 EST
 
 

ગાંધીનગરઃ આશરે ૭૫ કિમીની ઝડપે પહેલી ડિસેમ્બરે ત્રાટકેલા વાવાઝોડા ‘ઓખી’એ દક્ષિણ તામિલનાડુ અને કેરળમાં ભારે પવનો અને વરસાદ વચ્ચે અતિ તબાહી મચાવી હતી. કન્યાકુમારી જિલ્લામાં ચાર સહિત કુલ આઠ વ્યક્તિનાં મોત થયાં હતાં. આ વાવાઝોડું આશરે ૪૦થી ૫૦ કિમીની ઝડપ સાથે ગુજરાત તરફ વળતાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને બીજા નંબરનું ભયજનક સિગ્નલ અપાયું હતું.
વાવાઝોડાના કારણે મંગળવારે રાજ્યભરમાં શીત પવનો અને વરસાદ હતાં. વાવાઝોડાના પગલે સોમવારે સાંજથી જ રાજ્યના વાતાવરણમાં પલટો વર્તાયો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી અને ક્યાંક સોમવાર રાતથી ઝરમર વરસાદ વરસવાનો શરૂ થયો હતો.
વાપી, વલસાડ, સુરત, સોમનાથ, તાપી, ડાંગ ભાવનગર સહિત જિલ્લાને એલર્ટ કરાયા હતાં અને માછીમારોને દરિયામાં જવા અંગે જરૂરી સૂચનાઓ અપાઈ હતી. હવામાન ખાતાએ આ વાવઝોડું ભયજનક સ્થિતિનું હોવાની આગાહી સાથે જ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા ટીમો તૈયાર રાખવામાં આવી હતી.
ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બંધ
વાવાઝોડાની અસર ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ પર પણ જોવા મળી હતી. વહીવટી તંત્ર દ્વારા સોમવારે બપોર ૧૨ કલાકથી ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસને પણ બુધવાર સવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો હતો.
સૌરાષ્ટ્રની ૫,૧૦૦ બોટો પરત
વાવાઝોડાની આગાહી બાદ સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારમાં ૫૧૦૦ બોટ પરત આવી હતી. જ્યારે ૧,૯૦૦ બોટો મધદરિયે હતી. તેના માટે સુરક્ષા ટીમો કામે લગાડાઈ હતી.
રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ ત્યારે વાવાઝોડું ‘ઓખી’ ગુજરાત તરફ વળતાં મંગળવારે વડા પ્રધાનની સુરતમાં થનારી સભા રદ થઈ હતી. આ ઉપરાંત ભાજપના અધ્યક્ષ અમિત શાહની રાજુલા, મહુવા અને શિહોરમાં મંગળવારે થવાની હતી તે સભાઓ રદ કરાઈ હતી.
ઓખી વાવાઝોડાને કારણે ત્યાં વરસાદ અને ઠંડી હવાઓના કારણે આ વિસ્તારમાં હેલિકોપ્ટર ઉતારવું મુશ્કેલ હોવાથી સભાઓ રદ કરાઈ હતી.
અમિત શાહ ઉપરાંત રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંઘરા રાજેની પણ સભાઓ રદ્દ કરાઈ હતી. તેઓ સુરતના મજૂરામાં મંગળવારે રેલી સંબોધિત કરવાનાં હતાં.
ઉલ્લેખનીય છે કે ‘ઓખી’એ મચાવેલી તબાહીના કારણે શ્રીલંકામાં ૪નાં મોત થયાં છે અને ૨૩ લોકો લાપતા છે જેમની શોધખોળ ચાલુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter