ચૂંટણીની સાઇડ ઇફેક્ટઃ ૨૨ દિવસ પછી કોરોના કેસનો આંકડો ૩૦૦ પાર

Tuesday 23rd February 2021 16:20 EST
 
 

ગાંધીનગર: રાજ્યની ૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની પૂર્ણાહુતિ સાથે કોરોનાના કેસ પણ વધવાનું શરૂ થયું છે. રાજ્યમાં નવા કેસનો આંકડો સોમવારે ૩૦૦નો આંકડો પાર કરી ૩૧૫ પર પહોંચી ગયો હતો. જ્યારે મંગળવારે આંક ૩૪૮ પર પહોંચ્યો હતો. હવે રાજ્ય સરકારે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી આવતા લોકોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ તકેદારી વધારવામાં આવી છે. મંગળવારના ૩૪૮ કેસ સાથે કુલ કેસનો આંકડો ૨,૬૭,૭૬૭ પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૪,૪૦૬ થયો છે. રાજ્યમાં ૨૯૪ વ્યક્તિ સાજા થવાની સાથે સાજા થનારા દર્દીની સંખ્યા ૨,૬૧,૫૭૫ થઈ છે. છેલ્લા ૨૨ દિવસથી રાજ્યમાં કોરોના કેસનો આંકડો ૩૦૦થી સતત નીચો રહ્યો હતો, પરંતુ ચૂંટણી પ્રચારે માહોલ બગાડ્યો છે.
કોરોનાના કેસ વધવાને કારણે અમદાવાદ શહેરમાં અનેક ઠેકાણે ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા છે. તો અમદાવાદમાં ૩ વિસ્તારના ૨૭ મકાનો માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં મૂકાયા છે.

મહાનગરોમાં કોરોના...

• અમદાવાદમાં ૧૩ દિવસમાં ૬૩ ટકા કેસ વધ્યાં છે. ૩૧મી જાન્યુઆરીએ ૭૩ કેસ નોંધાયા હતા, જે ૯ ફેબ્રુઆરીએ ઘટીને ૪૪ થયા હતા. જોકે ૧૩ જ દિવસમાં ૬૩ ટકા વધીને ફરી ૭૨ પર પહોંચી ગયા છે.
• સુરતમાં ૧૪ દિવસમાં ૧૦૮ ટકા કેસ વધ્યા. ૨૬ જાન્યુઆરીએ ૮૧ દર્દી હતા જે ૮ ફેબ્રુઆરીએ ઘટીને ૨૫ થઈ ગયા હતા, પણ ૧૪ દિવસમાં ૧૦૮ ટકા વધીને ૨૨મી ફેબ્રુઆરીએ બાવન પર પહોંચી ગયા છે.
• રાજકોટમાં ૨ દિવસમાં ૯૦ ટકા કેસ વધ્યાં છે. રાજકોટમાં ૩૧મી જાન્યુઆરીએ ૪૫ કેસ નોંધાયા હતા, જે ૨૧ ફેબ્રુઆરીએ ઘટીને ૨૨ થયા હતા પણ ૨૨ ફેબ્રુઆરીએ આંકડો ફરી ૪૨ થઈ ગયો.
• વડોદરામાં ૭ દિવસમાં ૩૧ ટકા કેસ વધ્યાં ૩૧મી જાન્યુઆરીએ ૭૯ કેસ નોંધાયા હતા જે ૧૫ ફેબ્રુઆરીમાં ઘટીને ૪૪ થઈ ગયા હતા, પણ ૨૨ ફેબ્રુઆરીએ માત્ર ૭ દિવસમાં ૫૮ સુધી પહોંચી ગયા હતા.

સાવચેતી રાખોઃ હાઇ કોર્ટ

મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી પ્રક્રિયા ચાલે છે ત્યારે હાઈ કોર્ટે સરકાર અને લોકોને ચેતવ્યા છે કે, ‘આ ચુંટણીના માહોલમાં લોકો એકદમ બિન્દાસ બનીને ફરી રહ્યા છે. આ પ્રકારનું વર્તન ફરી પાછા આપણને મુશ્કેલીના પહાડની ટોચ પર લઈ જશે. જો આવું વર્તન ચાલુ રહેશે તો લોકડાઉનના એ ભયાનક દિવસોમાં ફરી પાછા આપણી જાતને ધકેલી દઈશું. આ સ્થિતિ સર્જાય નહીં તે માટે સમજદારી અને સલાહભર્યા પગલા લો. સરકાર અને જનતાને વિનંતી છે કે બેદરકારી દાખવો નહીં અને સાવચેત રહો. એવું ન માની લઈએ કે કોરોના જતો રહ્યો છે. કોરોના હજુ ગયો નથી, તેનો નવો સ્ટ્રેન ક્યા સ્વરૂપે પરત ફરશે તે કહેવું મુશ્કેલ છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણની અસર ફરી જોવા મળી રહી છે અને કેસ વધી રહ્યા છે. કોરોનાના લીધે સ્થિતિ ફરી વણસે નહીં તેનુ ધ્યાન રાખશો.’
હાઈકોર્ટે નોંધ્યું છે કે, ‘CSIRના ચીફે એક ઈન્ટર્વ્યુમાં આપેલા નિવેદનમાં કહ્યું છે કે, અમેરિકામાં હાલ કોરોનાના દરરોજ ૨,૨૦,૦૦૦થી ૨,૪૦,૦૦૦ કેસ નોંધાય છે, તેની સરખામણીએ ભારતમાં દરરોજ ૧૬,૦૦૦થી ૨૦,૦૦૦ કેસ નોંધાય છે. જોકે, આપણે તૈયાર રહેવું પડશે, કારણ કે કોરોનાની મહામારી ગઈ નથી. જો, આપણે હથિયારો નીચે મુકી દઈશું, તો કોરોનાના બીજા તબક્કાની લહેરની સંભાવના રહેશે. જેથી, વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં કેસ ઘટવા છતાં કહીએ છીએ કે આપણે બહુ જ સાવચેતી દાખવવી પડશે. લોકડાઉન પહેલાની સ્થિતિ જેવો આ માહોલ છે. કોરોના મહામારીના ભય અંગે લોકોને ચેતવીએ છીએ કે કોરોનાના પડકારને ઝીલવા માટે તૈયાર રહો.’

ધો. ૩થી ૮માં પ્રથમ સત્ર પરીક્ષા

ગુજરાતમાં શિક્ષણ તબક્કાવાર અનલોક કરવાના સરકારના આયોજન અંતર્ગત ધો. ૯થી ૧૨ અને ત્યારબાદ ધો. ૬થી ૮ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયા પછી હવે શિક્ષણ વિભાગે ધો. ૩થી ૮માં પ્રથમ સત્રાંત પરીક્ષા જાહેર કરી છે. આ પરીક્ષા ૧૫મી માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી ક્લાસરૂમમાં જ પરીક્ષા લેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter