ગાંધીનગર: ઉમદા સાહિત્ય સર્જક ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની શનિવારે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરાઇ હતી. ગાંધીનગરથી લઇને રાજ્યના તમામ જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મેઘાણીના જન્મ સ્થળ ચોટીલામાં મેઘાણી સ્મારક અને મ્યુઝિયમના નિર્માણ માટે રાજ્ય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાન રૂપાણીએ રાષ્ટ્રીય શાયર ગણાતા ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ અને મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીનો અવસર બંનેનો સુભગ સમન્વય થયો છે. મેઘાણીની સાહિત્ય શૌર્ય રચનાઓ આજની પેઢીને દેશ માટે સમર્પિત થવાની પ્રેરણા આપે તે માટે આખું વર્ષ ‘કસુંબલ રંગ’ના અનેક કાર્યક્રમો યોજાશે.
મુખ્ય પ્રધાને ગાંધીનગરમાં બનનારા ગુજરાત સાહિત્ય અકાદમીના ભવન મેઘાણી સાહિત્ય ભવનનું ઇ-ખાત મૂહુર્ત કરવા સાથે મેઘાણીના જીવન-કવનથી માંડીને તેમના સાહિત્યને એક ક્લિકે ઉપલબ્ધ કરાવતી વેબસાઈટ jhaverchandmeghani.orgનું લોન્ચિંગ પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્યના ગ્રંથાલયો માટે મેઘાણી સાહિત્ય સંપુટ અર્પણ અને સાહિત્ય ગૌરવ પુરસ્કારો પણ એનાયત કર્યા હતા.
આ પ્રસંગે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતની લોક સંસ્કૃતિ આજે જીવંત છે એનો ઘણો યશ ઝવેરચંદ મેઘાણીને જાય છે. આ પ્રસંગે મેઘાણીની રચનાઓની લોક કલાકારો દ્વારા પ્રસ્તુતિ પણ કરાઇ હતી. કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઇ મેઘાણી તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર પી. આર. જોષી, તેમજ મોટી સંખ્યામાં કલાકારો - સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.
મધુ રાયને સાહિત્ય ગૌરવ પુરસ્કાર
ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં મધુ રાય (મધુસૂદન ઠાકર), હિન્દી સાહિત્ય અકાદમીમાં ઉજમભાઇ પટેલ અને ડો. અંજના સંધીર, સિંધી સાહિત્ય અકાદમીમાં છતો થધોમલ જ્ઞાનચંદાણી અને મનોહર નિહાલાણી અને કચ્છી સાહિત્ય અકાદમીમાં કાનજી મહેશ્વરી ‘રીખિયો’ અને રમેશ ભટ્ટ ‘રશ્મિ’ને એનાયત કરાયો હતો.
યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રશાંત પટેલ અને રિન્કુ રાઠોડ, સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં રાજવી ઓઝા, સિંધી સાહિત્ય અકાદમીમાં નયના એસ. રાવલાણી તથા નિશા ચાવલાને અપાયો હતો. વેદ-શાસ્ત્ર પંડિત સન્માન સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં ગોવિંદભાઇ એન. ત્રિવેદી (ઋગ્વેદ) અને જયદેવ અરુણોદય જાની (શુક્લ યજુર્વેદ) માટે અર્પણ કરવામાં આવ્યા હતા.