કેવડિયા કોલોનીઃ ‘નર્મદામાં પાણી નથી તેથી ખેડૂતો ઉનાળુ પાક ન લેશો’ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં આ નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાને હજુ સાડા ચાર મહિના બાકી છે ત્યાં નર્મદા ડેમમાં લઘુત્તમ લેવલની ઉપર માત્ર બે મીટર પાણી છે. ખેતી-ઉદ્યોગો તો છોડો ચાલુ વર્ષે ઉનાળામાં પીવાનું પાણી પણ મળે તો ચમત્કાર થશે. એવું અહેવાલોનું તારણ છે. આશરે ૧૨૦૨૮ ગામ-શહેર સંપૂર્ણ રીતે નર્મદાના સહારે છે. સપ્ટેમ્બરમાં, ચોમાસું પૂરું થતાં ડેમમાં ૧૩૦.૭૪ મીટર પાણી હતું, ડેમમાં પાણીની આવક સારી હતી. ડિસેમ્બર સુધી ડેમની સપાટી ૧૨૪ મીટર હતી, પણ આવક ઘટવાની શરૂ થઈ હતી. છતાં સરકારે ચૂંટણીમાં માત્ર બે મહિનામાં ૧૨ મીટર પાણી વહેવડાવી દીધું. હવે ડેમમાં ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી માત્ર ૨ મીટર છે.


