• ફરજિયાત મતદાન વિધેયકને રાજ્યપાલની મંજૂરીઃ પંચાયતી રાજ અને સ્થાનિક ચૂંટણીઓમાં અત્યંત ક્રાંતિકારી કહી શકાય એવા મહત્ત્વના કાયદાને નવા રાજ્યપાલ ઓ.પી. કોહલીએ મંજૂર કર્યો છે. સ્થાનિક ચૂંટણીઓમાં ફરજિયાત મતદાનને લાગુ કરવાનો માર્ગ મોકળો બની તો ગયો છે, પરંતુ આનંદીબહેન પટેલની સરકાર તેના અમલ માટે હમણાં ઉતાવળ કરવા માગતી નથી, તેવા સંકેતો મળ્યા છે. ૨૦૦૯માં સૌપ્રથમ વખત તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામત અને તેની ચૂંટણીઓમાં મતદાન ફરજિયાત કરતી જોગવાઇ સૂચવતો મુસદ્દો તૈયાર કરી વિધાનસભા સમક્ષ રજૂ કર્યું હતું. વિરોધપક્ષે ૫૦ ટકા મહિલા અનામત માટે સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પરંતુ ફરજિયાત મતદાનની જોગવાઇનો ભરપૂર વિરોધ કર્યો હતો. ૨૦૧૦ એપ્રિલમાં રાજ્યપાલે આ બિલ પરત મોકલ્યું હતું અને તેમાં સૂચન કર્યું હતું કે, સરકારને ૫૦ ટકા મહિલા અનામતની જોગવાઇ કરવી હોય તો અલગથી બિલ લાવવું જોઇએ. જોકે, ૨૦૧૧માં રાજ્ય સરકારે રાજ્યપાલની ભલામણનો બાજુએ મૂકીને ફરીથી વિધાનસભામાં સ્થાનિક સત્તામંડળ કાયદા (૨૦૦૯) સુધારા વિધયકને મૂળ સ્વરૂપે રજૂ કરી પસાર કર્યું હતું. ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
• ઘરમાં શૌચાલય નહિ તો ચૂંટણી લડી શકાશે પણ નહીંઃ ગુજરાતમાં હવે લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે યોજાતી ચૂંટણીઓમાં જેમના ઘરે શૌચાલય નહિ હોય તેમનું ઉમેદવારીપત્ર રદ થશે. કારણ કે, ગુજરાતની પાલિકા, પંચાયતોમાં હવે પછી યોજનારી ચૂંટણીઓમાં ઉમેદવારીપત્રની સાથે પોતાના ઘરે પારિવારિક શૌચાલય ધરાવતા હોવાનું સોંગદનામું પણ ફરજિયાત બનાવતું વિધેયક વિધાનસભામાં વિના વિરોધે પસાર થયું છે. રાજ્યપાલની મંજૂરી મળતાં જ તેનો અમલ શરૂ થશે. જેની અસર ઓક્ટોબર ૨૦૧૫ અને ત્યારબાદ યોજનારી ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, પાલિકા અને મહાપાલિકાઓમાં થશે.
• ગણપત વસાવા ફરીથી સ્પીકર પદેઃ ગુજરાત વિધાનસભાના સ્પીકર પદે ગણપતસિંહ વસાવાની બીજીવાર નિમણૂક કરવામાં આવી છે. તેઓ એક એવા નેતા છે જે ગુજરાતમાં યુવા સ્પીકર બનવાનો રેકોર્ડ ધરાવે છે. સ્પીકર બનતાં વસાવાએ વન- પર્યાવરણ તથા સંસદીય બાબતોના પ્રધાન તરીકે તથા ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ બનતાં આ પદ ખાલી હતું.
• અમિત શાહને કોર્ટમાં હાજરીથી રાહતઃ સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપ સ્પષ્ટ થવા સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કોર્ટમાં સુનાવણી સમયે ગેરહાજર રહેવાની મંજૂરી મળી છે. મુંબઈની સીબીઆઇ કોર્ટમાં આ પ્રકરણે સુનાવણી ચાલતી હોવાથી હાઈ કોર્ટે અમિત શાહને થોડી રાહત આપી છે.