છ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૮ ટકા મતદાન

Wednesday 25th November 2015 07:15 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલા તબક્કે ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ ૪૮ ટકા મતદાન નોંધાયું છે. ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૫૭૨ બેઠકો માટે સંપન્ન થયેલા મતદાનમાં ૧,૮૫૬ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું અને બીજી ડિસેમ્બરે યોજાનારી મતગણતરીમાં મતદારોનો મત સ્પષ્ટ થશે. બીજા તબક્કે આગામી ૨૯મી નવેમ્બરના રોજ ૩૧ જિલ્લા, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓમાં મતદાન યોજનાર છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૦માં ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૬.૬૮ ટકા મતદાન થયું હતું. તેમાં આશરે બે ટકાના વધારા સાથે સરેરાશ ૪૮ ટકા મતદાન રહ્યું હોવાનું ચૂંટણી પંચે કહ્યું છે.
દિવસભર સેંકડો મતદારો અને આખીને આખી સોસાયટીઓના નામો રદ્દ કર્યાની ફરિયાદોના હોબાળા વચ્ચે યોજાયેલું ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યાની ચૂંટણીપંચે ૨૨મી નવેમ્બરે મોડીરાત્રે જાહેર કરતાં ક્યાંય પણ પુનઃ મતદાન યોજાશે નહીં.
નામ ગુમ ગયા
પહેલા તબક્કાના મતદાન દરમિયાન ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત સેંકડો મતદારો અને આખેઆખી સોસાયટીઓનાં નામ જ રદ્દ કરી નાંખ્યાના હોબાળા સાથે રાજ્ય ચૂંટણીપંચની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાંથી નામો કમી થઇ જવાના કારણે અરાજકતાનો માહોલ સર્જાતા વિપક્ષ કોંગ્રેસ સહિત પાટીદારો અને અન્ય મતદારોએ ચૂંટણીપંચની ભૂમિકા સામે અનેક પ્રશ્નો ઊભા કર્યાં છે.
મોદીનો મત ન પડ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસને કારણે અમદાવાદમાં વોટ આપી શક્યા નહોતા. રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે શીલજની પ્રાથમિક શાળામાં જઈને મતદાન કર્યું. તો બીજી તરફ ઘરે બેઠા ઓનલાઈન વોટિંગ માટે રજિસ્ટ્રેશન કરાવનાર પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું નામ ઈ-વોટર લિસ્ટમાંથી રદ્દ થતાં તેમણે ગાંધીનગરથી રાજકોટ જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન મથકો પર પાટીદારો અને જેમના નામ રદ્દ થયા હતા તેના મતદારોના રોષ વચ્ચે સુરક્ષાદળોના ચુસ્ત બંદોબસ્તમાં એકંદરો મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. ભાજપના અગ્રણી નેતા અમિત શાહે કુટુંબ સાથે મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું.
ઓનલાઈન વોટિંગનો ફિયાસ્કો
પાંચ વર્ષ પહેલાંની જેમ જ આ વખતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન વોટિંગનો રીતસર ફિયાસ્કો થયો હતો. ઈ-વોટિંગ માટે ૨૦,૫૯૪ મતદારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં છેલ્લા દિવસે મતદાન માટે માત્ર ૧,૩૧૦ મતદારો જ વેરિફાઈ ઠર્યા હતા અને તેમાંથી માત્ર ૮૦૬એ જ ઓનલાઈન મતદાન કર્યું હતું.

છ મનપાનું મતદાન (ટકાવારીમાં)
અમદાવાદ ૪૬.૨૩ (વર્ષ ૨૦૧૫) ૪૪.૧૨ (વર્ષ ૨૦૧૦ )
રાજકોટ ૪૯.૫૩ (વર્ષ ૨૦૧૫) ૪૧.૦૬ (વર્ષ ૨૦૧૦ ) 
સુરત ૪૯.૬૪ (વર્ષ ૨૦૧૫) ૪૨.૪૩ (વર્ષ ૨૦૧૦ )
વડોદરા ૪૮.૬૨ (વર્ષ ૨૦૧૫)  ૪૪.૪૧ (વર્ષ ૨૦૧૦ )
ભાવનગર ૪૭.૪૪ (વર્ષ ૨૦૧૫) ૪૫.૨૫ (વર્ષ ૨૦૧૦ )
જામનગર ૫૬.૯૬ (વર્ષ ૨૦૧૫) ૫૦.૩૫ (વર્ષ ૨૦૧૦ )


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter