છેતરપિંડી કેસમાં બદલ જિલ પટેલને 51 માસની કેદ

Thursday 02nd March 2023 11:48 EST
 
 

ન્યૂ યોર્ક: સાઉથ કેરોલિનામાં રહેતા એક 22 વર્ષીય ગુજરાતી - અમેરિકન યુવકને ભારતમાં કોલ સેન્ટરોનો ઉપયોગ કરીને અમેરિકી સિનિયર સિટિઝનને છેતરવાનું કાવતરું ઘડવા બદલ 51 માસ કેદની સજા કરાઇ છે. વર્જિનિયાના ઇસ્ટર્ન ડિસ્ટ્રીક્ટના યુએસ એટર્નીના કાર્યાલયના નિવેદનમાં જણાવાયું છે કે સાઉથ કેરોલિનાના જિલ પટેલ ફેબ્રુઆરી 2020 થી જૂન 2020 સુધી આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના કાવતરામાં સામેલ હતો અને તેણે ભારતમાં કાર્યરત કોલ સેન્ટરનો ઉપયોગ કરીને વડીલોને નિશાન બનાવ્યા હતા.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, આ કોલ સેન્ટરો સ્વયંસંચાલિત ‘રોબોકોલ્સ’નો ઉપયોગ કરીને પીડિતોનો સંપર્ક કરતા હતા. પીડિતો સાથે પ્રારંભિક સંપર્ક બાદ નજીકના પરિચીત કાવતરાખોરો એફબીઆઈ કે ડીઈએ એજન્ટ જેવા સરકારી અધિકારીનો ઢોંગ રચીને તેમની સાથે છેતરપિંડી આચરતા હતા. આ કાવતરા માટે કામ કરતા કુરિયરો જે તે પીડિત પાસેથી પડાવેલા નાણાંમાંથી એક ભાગ પોતે રાખી લેતા હતા જ્યારે બીજો હિસ્સો ભારતમાં આવેલા કોલ સેન્ટર ઓપરેટરોને મોકલી આપતા હતા.
જિલ આવો જ એક કુરિયર એજન્ટ હતો જેણે ભાવિનકુમાર સની પટેલ માટે કામ કર્યું હતું, જેની પર વર્જિનિયાના ઇસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ દ્વારા અગાઉ કાર્યવાહી કરાઇ હતી. રિચમન્ડના 28 વર્ષીય પટેલે ઘણા રાજ્યોમાં કુરિયર્સ યુનિટ ઓપરેટ કર્યું હતું અને તે 120 થી વધુ પીડિતો સાથે થયેલી 3 મિલિયન ડોલરથી વધુની નુકસાન માટે જવાબદાર હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter