જખૌ નજીક ઓપરેશન મીડનાઈટઃ રૂ. ૧૭૫ કરોડનું હેરોઇન ઝડપાયું

Tuesday 07th January 2020 11:24 EST
 
 

અમદાવાદઃ પાકિસ્તાનના ડ્રગ માફિયાઓ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે વારંવાર ઉપયોગમાં લેવાતા કચ્છના દરિયામાં ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ), ઇંડિયન કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ૩૫ કિલો હેરોઇનના જથ્થા સાથેની બોટ ઝડપી લઇને પાંચ પાકિસ્તાનીની ધરપકડ કરી છે. જખૌ નજીકના દરિયામાંથી ઝડપાયેલા હેરોઇનના જથ્થાની કિંમત ૧૭૫ કરોડ રૂપિયા થાય છે. પાકિસ્તાન-ઈરાન બોર્ડર પરના પસની બંદરથી નીકળેલી ઢો (માછીમારીની હોડી)ના ડેકમાં હેરોઈનના ૩૫ પેકેટ છૂપાવાયા હોવાની પાક્કી બાતમીના આધારે સોમવારે મધરાત્રે ‘ઓપરેશન મીડનાઈટ’ હાથ ધરાયું હતું.
બાતમી મુજબ, કરાચી થઈને કચ્છ તરફ આવી રહેલી બોટ મધરાતે જખૌ નજીકના દરિયામાં પહોંચતા જ ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેને ઘેરી લીધી હતી. બોટમાંથી પકડાયેલા પાંચ ખલાસીઓ અનિસ ઈઝા ભટ્ટી (૩૦), ઈસ્માઈલ મોહમ્મદ કચ્છી (૫૦), અશરફ ઉસ્માન કચ્છી (૪૨), કરીમ અબ્દુલ્લા કચ્છી (૩૭) અબુ કાદર અશરફ સુમરા (૫૫) કરાચીના બીટ ઝઝીરા વિસ્તારમાં રહે છે. માછીમારીના ઓઠા તળે કચ્છ સરહદેથી ભારતમાં ઘુસાડાયેલો હેરોઈનનો જથ્થો આ દિલ્હી રવાના થવાનો હતો જોકે તે પહેલાં જ જખૌ પાસે ઝડપાઇ ગયો હતો.
કચ્છ દરિયાઈ સીમાથી ભારતમાં નશીલા પદાર્થોનો જથ્થો ઘૂસાડાશે તેવી જાણકારીના આધારે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમ એક સપ્તાહથી માછીમારી હોડીઓની હિલચાલ પર ચાંપતી નજર રાખી હતી. જખૌના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી એક શંકાસ્પદ માછીમારી બોટ ભારતીય જળસીમામાં ઘૂસી હતી. આ બોટને ઘેરીને તલાશી લેતાં તેના ડેકમાંથી હેરોઈનના એક-એક કિલોના ૩૫ પેકેટ મળ્યા હતા. જોકે બોટમાંથી ઝડપાયેલા પાંચ ખલાસીઓ પાસેથી ડ્રગ્સ માફિયાઓના નેટવર્કનું પગેરું મળે તેવી બહુ ઓછી શક્યતા છે.

જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલું ૩૫ કિલો હેરોઈન ઈરાનથી ચઢાવાયું હતું. જે પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઈ છે તે પહેલાં ઈરાન ગઈ હતી અને ૩૫ પેકેટ લઈને પાકિસ્તાન માર્ગે આંતરરાષ્ટ્રીય જળસીમામાં પ્રવેશી હતી. તેની ડિલીવરી લેવા દિલ્હીના એજન્ટના રિસિવરો આવવાના હતા. આમ પ્રાથમિક તપાસમાં સ્થાનિકોની કોઈ ભૂમિકા સામે આવતી નથી.

ખેપિયો ઝડપાયો ને ક્લુ મળી

જાણકાર સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાત એટીએસની ટીમે જખૌમાંથી એક એવા ખેપિયાને પખવાડિયા પહેલાં પકડી પાડ્યો હતો કે જે ડ્રગ્સનું જંગી કન્સાઈન્મેન્ટ જખૌમાં ઉતારવાનો હતો. ખેપિયો પકડાઈ ગયા પછી ગુજરાત એટીએસે તેની પાસેથી મળેલી જાણકારીના આધારે ડ્રગ્સ ભરેલી બોટ આવે તેની ધીરજપૂર્વક રાહ જોઈ હતી. પાક્કી બાતમી બાદ કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન પાર પડાયું હતું.

ખલાસીઓ પાસે ૭ દિવસનું રાશન

‘ઝમઝમ’ બોટના પાંચેય પાકિસ્તાની ખલાસીઓ પાસેથી અંદાજે છથી સાત દિવસનું રાશન મળી આવ્યું હતું. મધરાતે જખૌ પાસેના દરિયામાં પ્રવેશીને ડ્રગ્સના પેકેટ નાંખી દઇને પરત ફરી જવાની ગણતરી સાથે તેઓ છ-સાત દિવસનું રાશન સાથે લઈને આવ્યા હતા. સામાન્યતઃ એવો કારસો ગોઠવાતો હોય છે કે મધરાતે ઓછા ઊંડા દરિયામાં નાંખી દેવાયેલા ડ્રગ્સના પેકેટ બીજા દિવસે માછીમારીના બહાને સ્થાનિક ખેપિયા દરિયામાંથી કાઢી લે છે, અને આ જથ્થો નિયત સ્થળે પહોંચાડવા બીજા ખેપિયાને સોંપી દે છે.

ડ્રગ્સ ઘૂસાડવાનો કારસો ફરી નિષ્ફળ

ઉલ્લેખનીય છે કે ૨૭ માર્ચ ૨૦૧૯ના રોજ પણ ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદર તરફ જતી પાકિસ્તાની બોટમાંથી રૂ. ૫૦૦ કરોડની કિંમતના હેરોઈન સાથે ૯ વિદેશી સ્મગલરોની ધરપકડ કરી હતી. ભારતીય સુરક્ષા દળોથી બચવા સ્મગલરોએ હેરોઈન સહિતની બોટને ફૂંકી મારી હતી. જોકે આમ છતાં એટીએસે ૫૦૦ કરોડની કિંમતનું ૧૦૦ કિલો હેરોઈન કબ્જે કર્યું હતું. તે સમયે બોટમાંથી બે અફઘાની નાગરિકો પણ ઝડપાયા હતા. તેમની પૂછપરછમાં કચ્છના પિંગલેશ્વર કાંઠે ૨૪ કરોડનું મેથામ્ફેટાઈમાઈન નામનું ડ્રગ્સ લેન્ડ થયાનું ખૂલ્યું હતું. બાદમાં, ડ્રગ્સનો જથ્થો એટીએસએ દિલ્હીના પહાડગંજ રહેતાં કુન્ની નામના શખ્સના ઘરમાંથી જપ્ત કરાયો હતો.

વાયા ગુજરાત રૂટ

ગત વર્ષે એટીએસની ટીમે દ્વારકામાંથી અઝીઝ અબ્દુલ ભગાડ નામના એક શખસને ૧૫ કરોડ રૂપિયાના હેરોઈનના જથ્થા સાથે ઝડપી લીધો હતો. અઝીઝની પૂછતાછમાં ઘટસ્ફોટ થયો હતો કે માંડવીના અબ્દુલ રઝા સોતા ઉર્ફે રાજુ દુબઇએ એપ્રિલ ૨૦૧૮માં પાકિસ્તાની બોટ મારફતે ૩૦૦ કરોડ રૂપિયાની કિંમતના હેરોઈનનો જથ્થો માંડવી મંગાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો વાયા ઊંઝા થઈને પંજાબ-કાશ્મીર પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં એટીએસ ટીમે નેપાળથી રાજુ દુબઈ અને શ્રીનગરથી નઝીર એહમદ નામના શખ્સની ધરપકડ કરી હતી. જમ્મુ-કાશ્મીર અને પંજાબ સરહદે સુરક્ષા બંદોબસ્ત વધુ ચુસ્ત બનતાં ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાઇ માર્ગે માદક પદાર્થોની તસ્કરી શરૂ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter