મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છેઃ અમદાવાદમાં ૧૩૯મી રથયાત્રા

Thursday 07th July 2016 03:48 EDT
 
 

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજ પર્વે યોજાયેલા ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રાનાં દર્શન માટે ભક્તોનો માનવ મહેરામણ ઊમટ્યો હતો. આશરે ૧૫ લાખથી વધુ ભક્તજનોએ નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રથયાત્રા દરમિયાન ૨૨ કિલોમીટરનો પરિક્રમા માર્ગ ‘મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’, ‘બોલ મેરે ભૈયા કૃષ્ણ કનૈયા’, ના ગગનભેદી જયઘોષ સાથે ગાજી ઉઠ્યો હતો. સવારના સાત વાગ્યે શરૂ થયેલી રથયાત્રા રાત્રે લગભગ પોણા નવ વાગ્યાના અરસામાં નિજ મંદિરે પરત પહોંચતા જમાલપુરમાં આવેલું જગદીશ મંદિર ઘંટારવના નાદથી ગાજી ઊઠયું હતું અને હજારો ભક્તો મહાઆરતીમાં જોડાયા હતા.
રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિભાવ તથા કોમી એખલાસ વચ્ચે સંપન્ન થતાં મંદિરના મહંત દિલીપદાસજીએ શહેરીઓને ધન્યવાદ પાઠવ્યાં હતા. એક પણ અનિચ્છનીય બનાવ વગર રથયાત્રા પૂર્ણ થતાં એક સપ્તાહથી ખડે પગે રહીને સુરક્ષામાં જોતરાયેલા પોલીસ તંત્રે પણ હાશકારો અનુભવ્યો હતી. અલબત્ત, પ્રતિ વર્ષની આ વખતે રથયાત્રા ટાણે વરસાદના અમી છાંટણા ન પડતાં ભક્તોએ થોડીક નિરાશા અનુભવી હતી.
મંગળવારે આખી રાત્રી ભજન અને ધૂનના ગુંજારવ બાદ બુધવારે વહેલી પરોઢે ૪ વાગ્યે મંદિરના દ્વાર ખુલ્યા હતા અને ભગવાનની આંખેથી પાટા ખોલવામાં આવ્યા હતા. આ સમયે થયેલી આરતીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પછી સવારે ૭ વાગે મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલના હસ્તે સોનાની સાવરણીથી પહિંદવિધિ થયા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને પ્રસ્થાન કરાવાયું હતું. આ સમયે નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયાલાલ કીના જયઘોષથી જગદીશ મંદિરમાં અલૌકિક આનંદ છવાઈ ગયો હતો.
વિવિધ રંગો અને ચિત્રોથી શણગારેલા ૧૮ ગજરાજો રથયાત્રાની મોખરે સુકાની બનીને ચાલી રહ્યા હતા. તેમની પાછળ ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા ૧૦૧ ટેબ્લો ટ્રકો, ૩૦ અખાડા, ૨,૦૦૦ સાધુ-સંતો જોડાયા હતા. ત્રણેય રથને ૧૨૦૦ જેટલા ખલાસી ભાઈઓએ ખેંચીને તેમની પારંપારિક ભક્તિને ઉજાગર કરી હતી.
મંગળા આરતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હસ્તે થઈ હતી. બાદમાં પ્રભુને પ્રિય ગવારફળીનું શાક અને ખીચડીનો ભોગ ધરાવાયો હતો. ૪-૫૫ વાગ્યે શરણાઈના સૂર અને ઢોલ-નગારાના તાલે ભગવાન જગન્નાથજીની મૂર્તિને રથમાં બિરાજમાન કરાઈ હતી. ત્યારબાદ બહેન સુભદ્રાજી અને છેલ્લે ભાઈ બલરામને બિરાજમાન કરાયા હતા. નિયત માર્ગને અનુસરતી રથયાત્રા બપોરે મોસાળ સરસપુર પહોંચી હતી. જ્યાં તમામ ભાવિકોને પ્રસાદરૂપી ભોજન કરાવાયું હતું. મોસાળાના દર્શન હજારો ભાવિકોએ કર્યા હતા. એકાદ કલાકના વિરામ બાદ ફરી યાત્રા આગળ ધપી હતી. ત્યારબાદ નિશ્ચિત માર્ગને અનુસરતા યાત્રા રાત્રે નિજ મંદિરે પહોંચી વિરામ પામી હતી.

સરસપુરમાં મામેરું, મોસાળમાં મહાપ્રસાદ

ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા મોસાળ સરસપુરમાં લગભગ સવા વાગ્યે આવી પહોંચી હતી. આ પછી ભગવાનને મામેરું ચઢાવવાની રસમ અદા કરવામાં આવી હતી. જેમાં ભગવાનને આભૂષણો, વસ્ત્રો, હાર, પાઘડી, કાંડા ઘડિયાળ સહિતની કિમતી ચીજવસ્તુની પહેરામણી કરવામાં આવી હતી. માત્ર સરસપુરમાં જ બે લાખ કરતાં વધુ ભકતોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ વખતની રથયાત્રાના યજમાન તરીકે અમરાઈવાડીના દિનેશ પટેલ હતા.
સરસપુરની બહેનો દ્વારા ભાણેજોની નજરબંધી ઉતારીને ભગવાન જગન્નાથજીનું મોસાળું પૂરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ભગવાનના મામેરા માટે ૨૦ વર્ષનું વેઈટિંગ છે.

૨૫ હજાર કિલો મગ, બે લાખ ઉપરણા

દર્શનાર્થીઓ માટે ૨૫ હજાર કિલો મગ, ૬૦૦ કિલો જાબું, બે લાખ ઉપરણાનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો. દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ-સંતો રથયાત્રામાં જોડાયા હતા. ૧,૨૦૦ ખલાસી ભાઇઓ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બલભદ્રજીનો રથ ખેંચવા તૈનાત રહ્યા હતા.

મુસ્લિમો દ્વારા સ્વાગત, હિંદુઓનું ઈદ મુબારક

યાત્રામાં કોમી એકતાના અનેરા દૃશ્યો સર્જાયા હતા. મુસ્લિમ વિસ્તારોમાં યાત્રા અને મંદિરના મહારાજનું સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, અન્યોએ મહંત દિલીપદાસજીનું શાલ ઓઢાડી, ફુલહારથી સ્વાગત કરીને શાંતિદૂત કબૂતર ઉડાડયા હતા. મહારાજે સદી જૂની પરંપરા મુજબ બે મસ્જિદોને દાન અર્પણ કર્યું હતું. હિન્દુ ભાઈઓએ ઈદ મુબારકબાદી પાઠવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત કચેરીના પ્રાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શામિયાણો બાંધવામાં આવ્યો હતો. અહીં ભગવાનનો રથ પહોંચે તે પૂર્વે મહંત દિલીપદાસજીનું શાલ ઓઢાડીને મેયર ગૌતમ શાહે સ્વાગત કર્યું હતું. મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ, વિપક્ષના નેતા દિનેશ શર્મા, ‘ઔડા’ના અધ્યક્ષ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય હોદ્દેદારોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter