જગપ્રસિધ્ધ દ્વારકાધીશ મંદિરે વસંતઋતુના અનેરા વધામણાં કરાયાં

Friday 26th March 2021 04:52 EDT
 
 

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં જગપ્રસિધ્ધ દ્વારકાધીશ જગત મંદિરે સોમવારથી વસંતોત્સવના અનેરા વધામણા કરાઈ રહ્યા છે. ફુલડોલ ઉત્સવ સુધી રોજ શ્રીજીને સવારે અને સાંજે આરતી સમયે અબીલ-ગુલાલની પોટલી ધરી અને શ્રીજીને અબીલ-ગુલાલના છાંટણા કરી રંગે રમાડવાનો ભાવ વ્યક્ત કરાય છે. આ વર્ષે કોરોનાને લીધે આરતી બાદ ભાવિકોને રંગે રમાડવાનું બંધ કરાયું છે.
યાત્રાધામ દ્વારકાના જગતમંદિરે વસંતોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. જે ફુલડોલ ઉત્સવ સુધી રોજ ઉજવાશે. રોજ સવારે શ્રૃંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં શ્રીજીને અબીલ-ગુલાલની પોટલી ધરી વસંતઋતુના વધામણા કરવામાં આવી રહ્યા છે. તો આરતીમાં કાળિયા ઠાકોરને અબીલ-ગુલાલના છાંટણા કરી રંગે રમાડવાનો ભાવ વ્યક્ત કરાઈ રહ્યો છે. દર વર્ષે આરતી બાદ દર્શનાર્થીઓને રંગે રમાડાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે ભાવિકોને રંગે રમાડવાનું બંધ કરાયું છે. માત્ર શ્રીજી સંગે પુજારી પરિવાર જ રંગે રમતા હોવાનું મંદિરના પુજારી નેતાજીએ જણાવ્યું હતું.
આ વર્ષે ઉતરાફાલ્ગુન નક્ષત્ર ૨૮ મીને હોળીના દિવસે હોવાથી તે દિવસે બપોરે ફુલડોલ ઉત્સવ જગત મંદિરમાં ઉજવાશે શ્રીજીને ચાંદીની પીચકારીથી કેસુડાના રંગે રમાડાશે તથા સાંજે શહેરમાં હોળી ઉત્સવ ઉજવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે હોળી-ફુલડોલ ઉત્સવ પ્રસંગ તા. ૨૭, ૨૮ અને ૨૯ માર્ચના દ્વારકાધીશજી મંદિર શ્રદ્ધાળુઓ માટે સદંતર બંધ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter