જનતા કર્ફ્યૂઃ ગુજરાતની પ્રજા માટે નવો શબ્દ નથી

Friday 20th March 2020 08:17 EDT
 
 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં કોરોના વાઈરસની મહામારીના ભરડામાંથી બચવા માટે અને ભીડભાડથી દૂર રહેવા માટે ૨૨મી માર્ચે, રવિવારે જનતા કર્ફ્યૂનું પાલન કરીને પોતપોતાના ઘરમાં જ રહેવાની દેશવાસીઓને અપીલ કરી હતી. દેશવાસીઓેએ આ જનતા કર્ફ્યૂને સારો એવો બહોળો પ્રતિસાદ પણ આપ્યો હતો.
તમારી જાણ સારું કે આ જનતા કર્ફ્યૂ શબ્દ અને જનતા કર્ફ્યૂનો અમલ એ ગુજરાત રાજ્ય માટે બિલકુલ પણ નવીન વાત નથી.
વર્ષ ૧૯૫૬માં કેન્દ્રની કોંગ્રેસની નહેરુ સરકારે ગુજરાતને અલગ રાજ્ય આપવાને બદલે મહારાષ્ટ્ર અને ગુજરાતનું સંયુક્ત રાજ્ય કહો કે, દ્વિભાષી રાજ્યની ઘોષણા કરી હતી. એ સામે ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદના કોલેજિયન યુવાનોએ દ્વિભાષી સંયુક્ત રાજ્ય નહીં, પણ અલગ મહાગુજરાત નામના રાજ્યની માગણી સાથે જન આંદોલન શરૂ કર્યું હતું. એ આંદોલનની ચિનગારીથી ભયભીત બનેલી કોંગ્રેસી સરકારે યુવાનો પર ગોળીબાર પણ શરૂ કરી દીધો હતો. એ સમયે બે નવલોહિયા યુવાનો શહીદ થયા હતા. એ પછી આંદોલન ગુજરાત આખામાં ફેલાઈ ગયું હતું અને પોલીસદમન સાથે સરકારે ગુજરાતના તમામ શહેરોમાં પોલીસ કહો કે સરકારી કર્ફ્યૂ લાદવાનો દોર શરૂ કર્યો હતો.
આ સરકારી કર્ફ્યૂને પડકારીને ‘મહાગુજરાત લેકે રહેંગા’ના નારા સાથે યુવાનોએ આંદોલન વધુ બુલંદ બનાવ્યું હતું. પોલીસને અવગણીને આંદોલનના નેતાઓએ ‘જનતા કર્ફ્યૂ’ જેવા સ્વંય કર્ફ્યૂની અપીલ કરી હતી. એ જનતા કર્ફ્યૂ કેટલાયે દિવસો સુધી એવો જડબેસલાક રહ્યો હતો કે માત્ર ભારત જ નહીં દુનિયાના તમામ દેશો અને અખબારાએ નોંધ લીધી હતી.
તે સમયે જનતા કર્ફ્યૂના દિવસે નાના બચ્ચાંથી માંડી મોટેરાઓ, વૃદ્ધો, મહિલાઓ ઘરની બહાર નીકળ્યાં જ ન હતાં. માર્ગો સૂમસામ બન્યા હતા. શહેરમાં સન્નાટો ફેલાયો હતો. ચાલી, મહોલ્લા, સોસાયટી અને પોળની બહારથી શરૂ કરી આખાયે રાજમાર્ગો પર યુવાનોએ માનવસાંકળ રચી હતી. જેથી એ સાંકળ વટાવીને કોઈ બહાર જાય નહીં. અમદાવાદીઓએ અજબશિસ્ત અને મહાગુજરાતની માગણી માટે ઘરની બહાર નહીં નીકળવાનો સંકલ્પ કર્યો હતો.
જનતા કર્ફ્યૂ આમ ગુજરાતી પ્રજાનો બની ગયો હતો પરિણામે વેપારીઓ પણ જોડાતા શહેરના તમામ બજારો બંધ રહ્યા હતા. નાની કે મોટી હાટડી, ગલ્લા કે લારીઓ પણ ક્યાંયે જોવા મળતી ન હતી. જનતા કર્ફ્યૂ એટલે જનતાએ સ્વયં સ્વીકારેલો કર્ફ્યૂ... સરકારી જનતા કર્ફ્યૂની તેમાં અવગણના... આવા અનેક આંદોલનો બાદ કેન્દ્રની સરકારને દ્વિભાષી સંયુક્ત રાજ્યમાંથી ગુજરાતનું અલગ રાજ્ય સ્થાપવાની ફરજ પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter