અમદાવાદઃ નોટબંધીના અચાનક આવેલા નિર્ણય બાદ અફવાઓનું બજાર ગરમ છે. શહેરમાં ૧૬મીએ એવી વાત વહેતી થઇ હતી કે, જનધન ખાતું હશે તેવા ખાતાધારકોના ખાતામાં રૂ. ૧૫ લાખ જમા થશે તેવી અફવાઓ જોર પકડી હતી જેથી શહેરની કેટલીય બેંકની બ્રાંચ આગળ કેટલાક એવા લોકો આંટા મારતા જોવા મળ્યા હતા જેમને જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવું હતું. જ્યારે કેટલીય બેંકો આગળ લોકોએ જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવા માટેની પૂછપરછ કરવા માટે પણ પહોંચી ગયા હતા.
નોટબંધી બાદ દેશના પશ્ચિમ ભાગમાં ખાંડ અને મીઠાના ભાવ વધશે તેવી અફવા ફેલાઇ હતી જેથી લોકોએ જરૂરિયાત કરતાં વધુ અને ઊંચી કિંમતે મીઠું ખરીદવા દોડી ગયા હતા. સરકારે ખુલાસો કર્યો હતો કે, પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. હવે જેમ-જેમ દિવસો વીતી રહ્યાં છે તેમ તેમ અફવાઓનું બજાર ગરમ થઇ રહ્યું છે. શહેરમાં બે દિવસથી એવી અફવા વહેંચી થઇ છે. કાળા નાણાનો પર્દાફાશ થયા બાદ જેનું જનધન યોજના હેઠળ ખાતુ ખોલાવેલું હશે તે લોકોના ખાતામાં રૂ. ૧૫ લાખ જમા થશે તેવી અફવા ફેલાઇ હતી. જેથી લોકોએ બેંકો આગળ આ યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે દોડી ગયા હતા.

