ગાંધીનગરઃ ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની ગાંધીનગરના સ્વર્ણિમ પાર્કમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ અને ડો. બાબાસાહેબ આંબેડકર એમ ત્રણ વિભૂતિઓની સન્મુખ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ધ્વજ વંદન કર્યું અને સાદાઈથી આ પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કોરોના નિયંત્રણ કામગીરી બજાવનારા ૪૫ આરોગ્ય કર્મીઓ - કોરોના વોરિયર્સ તેમજ કોવિડ સ્ટેટ ટાસ્ક ફોર્સના ૯ તબીબોનું સન્માન કરાયું હતું.
ધ્વજ વંદન બાદ મુખ્ય પ્રધાને જણાવ્યું કે, કોરોનાના વિકટ સંજોગોમાં ૭૪મું સ્વતંત્રતા પર્વ સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવાયું છે. વડા પ્રધાને ૭૪માં સ્વતંત્રતા પર્વએ જાહેર કરેલા નેશનલ ડિજિટલ હેલ્થ મિશનમાં પણ આપણે અગ્રેસર રહીને આગામી દિવસોમાં ગુજરાતના હેલ્થ સેક્ટરને શક્તિશાળી બનાવીશું. ગુજરાતમાં વર્ષ ૧૯૬૦થી વર્ષ ૨૦૦૦ સુધી ૪૦ વર્ષમાં ૧૮૩૫૬ ચેક ડેમ બન્યા જેની સરખામણીમાં છેલ્લા ૧૯ વર્ષમાં ૧ લાખ ૫૧ હજાર ચેક ડેમ બન્યાં છે. સુજલામ સુફલામ જળ અભિયાનથી ૪૨ હજાર લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ ક્ષમતા વધી છે. આ સાથે જ ગુજરાતે જળસંચય જળસિંચનમાં વોટર સરપ્લસ સ્ટેટ બનવા તરફ કદમ માંડયા છે. મુખ્ય પ્રધાને કહ્યું કે, નવી ઈન્ડસ્ટ્રિયલ પોલીસી-૨૦૨૦થી ગુજરાતે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા સાથે આત્મનિર્ભર ગુજરાતની દિશા અપનાવી છે.
ગુજરાતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો ઇનફ્લો ૨૪૦ ટકા, બેરોજગારીનો દર સૌથી ઓછો ૩.૪૦ ટકા છે. આ ઉપરાંત દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એક માત્ર ગુજરાત ધરાવે છે. ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને આ સરકારે કન્વિક્શન રેટ ૪૩ ટકા કર્યો છે. મહેસૂલ-આરટીઓ વગેરેમાં ફેસ લેસ પદ્ધતિથી ભ્રષ્ટાચાર સમૂળગો દૂર કર્યો છે. રૂપાણીએ કોરોના સંકટની સ્થિતિ વર્ણવતાં કહ્યું કે, રાજ્યમાં જન સહયોગથી કોરોના સામેનો જંગ જીતીશું. ‘હારશે કોરોના - જીતશે ગુજરાત’ આપણે સાકાર કરવું છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની ભાળ મેળવવા રોજના ૫૦ હજાર ટેસ્ટ થાય છે. ધન્વંતરી રથના માધ્યમથી બાવન લાખ લોકોને એક જ મહિનામાં ઘર આંગણે સારવાર-દવાની સિદ્ધિની ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા પણ નોંધ લેવાઇ છે. કોવિડ સામે સઘન પગલાં લેવાથી રાજ્યમાં મૃત્યુદર ૨.૧ ટકા તેમજ રિકવરી રેટ ૭૮ ટકા થયો છે. લોકડાઉનના સમયમાં કોઇને ભૂખ્યા સૂવું પડે નહીં તે માટે એનએફએસએના ૬૮ લાખ પરિવારો સહિત પાંચ કરોડ લોકોને ૩ માસ માટે રૂ. ૩૩૩૮ કરોડનું ૧૨૭ લાખ ક્વિન્ટલ અનાજ નિઃશુલ્ક અપાયું છે. ૧૫૩૦ ગરીબ કલ્યાણ મેળા દ્વારા ૨૬ હજાર કરોડની સાધન-સહાય દોઢ કરોડ લાભાર્થીઓને આપી આત્મનિર્ભરતાના માર્ગે
વાળ્યા છે.
કોવિડ ટાસ્ક ફોર્સના ૯ તબીબોનું સન્માન
ડો. પંકજ શાહ
પદ્મશ્રી ડો. તેજસ પટેલ
ડો. આર. કે. પટેલ
ડો. દિલીપ માવળંકર
ડો. વી. એન. શાહ
ડો. અતુલ પટેલ
ડો. અમી પરીખ
ડો. મહર્ષિ દેસાઇ
ડો. તુષાર પટેલ


