ગુજરાતના ન્યાયતંત્રના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર હાઈ કોર્ટના ૨૭ ન્યાયમૂર્તિઓ સહિત ૩૦ જજોને સરકારે ફાળવેલી ગૌચરની જમીન પર મકાન બનાવવાના મુદ્દે હાઇ કોર્ટે નોટિસ આપી છે. હાઇ કોર્ટ સામે ગોતા વિસ્તારમાં આવેલી નીતિબાગ કો.ઓ. સોસાયટીમાં જમીનની ફાળવણીને પડકારતો એક પત્ર નિવૃત્ત ન્યાયાધીશ કે. આર. વ્યાસ અને જસ્ટિસ બી. જે. શેઠનાએ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિને લખ્યો હતો. આ પત્રને મુખ્ય ન્યાયમૂર્તિ વી. એમ. સહાયે સુઓમોટો રિટ તરીકે સ્વીકારી આ પગલાં લીધાં છે.
‘અનામત’ માટે જ્ઞાતિઓ વધીઃ સમગ્ર ગુજરાતમાં અત્યારે પાટીદારો દ્વારા અનામત આંદોલન ચલાવવામાં આવે છે. હવે રાજ્યભરમાં પાટીદારોની સાથે અન્ય જ્ઞાતિઓ પણ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત માગી રહી છે. જેમાં સોમવારે પંચમહાલ, સાયલા, સાણંદ, ઉપલેટા સહિતના સ્થળે પણ અનામત માટે વિવિધ સમાજ દ્વારા બેઠક, રેલી તેમ જ સભા જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, કાઠી ક્ષત્રિય, ભાટિયા, સોની અને ખત્રી સમાજે ભાગ લીધો હતો.
નમ્રમુનિને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયાઃ જૈન સ્થાનકવાસી સમાજના રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજને ડેન્ગ્યુ થતાં ૮ ઓગસ્ટે તેમને અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વાત વાયુવેગે ફેલાતા જૈન શ્રાવકોમાં ચિંતાની લાગણી જન્મી છે. તેમને આરામની ખાસ જરૂર હોવાથી અમદાવાદમાં તેમની યુવા શિબિર રદ કરવામાં આવી હતી.
બે વર્ષીય બાળા સાથે દુષ્કર્મ કરનારની હત્યાઃ અમલસાડમાં બે વર્ષની માસુમ બાળા ઉપર દુષ્કર્મ કરનારા એક શખસને લોકોએ ખૂબ માર માર્યો હતો. બાદમાં જીવ બચાવવા આ દુષ્કર્મી તળાવમાં કુદી પડ્યો હતો. પોલીસે તેને બહાર કાઢીને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા પછી તેનું મોત થયું હતું. પોલીસે ટોળાં સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે ભોગ બનનાર બાળાને તબીબી પરીક્ષણ માટે સુરત ખસેડવામાં આવી હતી.
રાજ્યમાં ફરજિયાત મતદાનનો અમલ શરૂઃ ગુજરાતમાં વિવાદાસ્પદ બનેલાં ફરજિયાત મતદાનના કાયદાના નિયમો અંતે જાહેર થયા છે. હવે પછીની સ્થાનિક ચૂંટણીમાં મતદાન નહીં કરે તેણે રૂ. ૧૦૦નો દંડ ભરવો પડશે. આવા મતદારો સામે કાર્યવાહી કરવા જુદું તંત્ર બનાવાશે. દરેક તાલુકા દીઠ એક અધિકારી અને સ્ટાફની નિયુક્તિ કરાશે. જે મતદારોને દંડવા માટે કાર્યવાહી કરશે. મતદારોને ડિફોલ્ટર જાહેર કર્યા બાદ તેને સાંભળીને દંડ થશે. જોકે મતદાન નહીં કરી શકતા કેટલાક કિસ્સામાં છૂટછાટ પણ આપવામાં આવી છે.
ગાંધી વિચારક પ્રો. મ.જો. પટેલનું નિધનઃ ગાંધી વિચાર-દર્શનના ઊંડા અભ્યાસુ અને ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ પ્રાધ્યાપક મગનભાઈ જો. પટેલ (૮૯)નું અમદાવાદમાં ૫ ઓગસ્ટે અવસાન થયું હતું. મ. જો. પટેલે મૂકસેવક રવિશંકર મહારાજના અંગત મંત્રી તરીકે ૧૯૫૨થી ૫૯ સુધી ભૂદાનયજ્ઞમાં કામગીરી બજાવી હતી.
મુખ્ય પ્રધાનના વ્યક્તિત્વ અંગે પુસ્તકનું વિમોચનઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના વ્યક્તિત્વ અને ગુજરાતની આગેકૂચને વર્ણવતા ‘આગે કદમ ગુજરાત’ પુસ્તકનું ગત સપ્તાહે અમદાવાદમાં લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહિલા વિકાસ રાજ્ય પ્રધાન પ્રો. વસુબહેન ત્રિવેદી સહિત ધારાસભ્યો, મેયર મીનાક્ષીબહેન પટેલ, મુખ્ય પ્રધાનના શિક્ષકો એન. આર. શાહ, જાણીતા કટાર લેખક પદ્મશ્રી ગુણવંત શાહ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.