જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ દૂર થતાં રાજ્યમાં યાત્રાધામ સહિત મહત્ત્વની જગાએ હાઈ એલર્ટ

Wednesday 07th August 2019 06:18 EDT
 
 

અમદાવાદઃ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવાતા ગુજરાતને હાઇ એલર્ટના આદેશો આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રધામો અને બોર્ડર તથા દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જયારે ગુજરાતમાં પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી ૭૦ વર્ષ જૂની ૩૭૦ની કલમ હટાવી હોવાથી આતંકી હુમલાની દહેશતના પગલે ભારત સરકારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિતના રાજ્યોને એલર્ટના આદેશો આપ્યા છે. જેથી ગૃહ વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જેને લઇને અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસને હાઇ એલર્ટ રહેવા આદેશ આપતાં પોલીસ સતર્ક બની ગઇ છે. પવિત્ર યાત્રાધામ, એરપોર્ટ, રેલવે, એસટી બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારીને ઠેર ઠેર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે
આગામી ૧૫મી ઓગસ્ટ તથા પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી ગુજરાતમાં પણ કોઇપણ પ્રકારની ભાંગફોડ પ્રવૃત્તિ બને તે તેને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની ગઇ છે અને જાહેર સ્થળે સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર નાકાબંધીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ કચ્છ ભુજ બોર્ડર પર પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઇ પણ વધારી દેવામાં આવી છે. અમદાવાદમાં શાહપુર, દરિયાપુર, ગોમતીપુર, જૂહાપુરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર થઇ રહેલી જાતજાતની કોમેન્ટ પર પણ બાજ નજર રાખવા આદેશો આપવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter