જય જાપાન, જય ઇન્ડિયાઃ જાપાનનો 'JA' - ઈન્ડિયાના 'I'થી રચાય છે 'JAI'

Friday 15th September 2017 04:50 EDT
 
 

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ગુરુવારે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આશા રાખું છું કે થોડાં વર્ષો બાદ હું અહીં વડા પ્રધાન મોદી સાથે પાછો આવીશ ત્યારે બુલેટ ટ્રેનની બારીઓમાંથી ભારતનાં સુંદર મનોરમ્ય દૃશ્યો જોવાનો મને મોકો મળશે. જાપાન શબ્દના પહેલા બે આલ્ફાબેટ JA સાથે ઇન્ડિયાનો પહેલો આલ્ફાબેટ I જોડતાં ‘જય’ શબ્દ રચાય છે. જય જાપાન, જય ઇન્ડિયા... શિન્ઝો આબેએ આમ કહેતાં જ ઉપસ્થિત જનસમુદાયે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડ ખર્ચે સાકાર થનારા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત બે શહેરો વચ્ચે શિકેન્સેન ટેક્નોલોજી આધારિત હાઈ સ્પીડ ટ્રેન દોડશે.
બે દિવસ ગુજરાતનું ઉષ્માસભર આતિથ્ય માણનાર જાપાનાઝી વડા પ્રધાને કહ્યું હતું કે ગુજરાત મને ખૂબ પસંદ છે... આબેના પ્રવચન બાદ નરેન્દ્ર મોદીએ તેમનો હાથ આવેશપૂર્ણ રીતે પકડીને ઉમળકાથી તેમને વધાવી લઇને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
‘નમસ્કાર...’ કહીને ઉદ્બોધનનો પ્રારંભ કરતાં શિન્ઝો આબેએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં હાઈ સ્પીડ ટ્રેન માટે ભારત સરકાર સાથે થયેલા નિર્ણયની આજે શરૂઆત થતી જોઉં છું ત્યારે મારી ખુશીનો કોઈ પાર નથી. શક્તિશાળી જાપાન ભારતના હિતમાં છે તેમ શક્તિશાળી ભારત પણ જાપાનમાં હિતમાં છે. આર્થિક સહયોગ બંને દેશોને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે અને એ નક્કર ભવિષ્યનો થોડોક હિસ્સો આજે પ્રોજેક્ટના પ્રારંભ વખતે મને દેખાઈ રહ્યો છે. શિન્ઝો આબેએ જણાવ્યું કે, ભારત અને જાપાન વચ્ચેના સંબંધો કેવળ દ્વિપક્ષીય નથી, પણ વિશિષ્ટ અને વ્યૂહાત્મક વિકાસની ભાગીદારી માટેના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter