જય જાપાન, જય ઇન્ડિયાઃ જાપાનનો JA - ઈન્ડિયાના I થી રચાય છે JAI

Wednesday 20th September 2017 09:46 EDT
 
 

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ૧૪મી સપ્ટેમ્બરે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આશા રાખું છું કે થોડાં વર્ષો બાદ હું અહીં વડા પ્રધાન મોદી સાથે પાછો આવીશ ત્યારે બુલેટ ટ્રેનની બારીઓમાંથી ભારતનાં સુંદર મનોરમ્ય દૃશ્યો જોવાનો મને મોકો મળશે. જાપાન શબ્દના પહેલા બે આલ્ફાબેટ JA સાથે ઇન્ડિયાનો પહેલો આલ્ફાબેટ I જોડતાં ‘જય’ શબ્દ રચાય છે. જય જાપાન, જય ઇન્ડિયા... શિન્ઝો આબેએ આમ કહેતાં જ ઉપસ્થિત જનસમુદાયે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડ ખર્ચે સાકાર થનારા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત બે શહેરો વચ્ચે શિકેન્સેન ટેક્નોલોજી આધારિત હાઈ સ્પીડ ટ્રેન દોડશે.
બે દિવસ ગુજરાતનું ઉષ્માસભર આતિથ્ય માણનાર જાપાનાઝી વડા પ્રધાને કહ્યું હતું કે ગુજરાત મને ખૂબ પસંદ છે... આબેના પ્રવચન બાદ નરેન્દ્ર મોદીએ તેમનો હાથ આવેશપૂર્ણ રીતે પકડીને ઉમળકાથી તેમને વધાવી લઇને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
‘નમસ્કાર...’ કહીને ઉદ્બોધનનો પ્રારંભ કરતાં શિન્ઝો આબેએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં હાઈ સ્પીડ ટ્રેન માટે ભારત સરકાર સાથે થયેલા નિર્ણયની આજે શરૂઆત થતી જોઉં છું ત્યારે મારી ખુશીનો કોઈ પાર નથી. શક્તિશાળી જાપાન ભારતના હિતમાં છે તેમ શક્તિશાળી ભારત પણ જાપાનમાં હિતમાં છે. આર્થિક સહયોગ બંને દેશોને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે અને એ નક્કર ભવિષ્યનો થોડોક હિસ્સો આજે પ્રોજેક્ટના પ્રારંભ વખતે મને દેખાઈ રહ્યો છે. શિન્ઝો આબેએ જણાવ્યું કે, ભારત અને જાપાન વચ્ચેના સંબંધો કેવળ દ્વિપક્ષીય નથી, પણ વિશિષ્ટ અને વ્યૂહાત્મક વિકાસની ભાગીદારી માટેના છે.
હવે તેજ રફતાર વિકાસનો સમયઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં ખાતમુહૂર્ત પ્રસંગે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને વારંવાર પોતાના નિકટના મિત્ર, પરમ મિત્ર, અંગત મિત્ર તરીકે ઉલ્લેખો કરીને આ પ્રોજેક્ટમાં રૂ. ૮૮ હજાર કરોડની લોન અત્યંત સસ્તા ૦.૧ ટકાના વ્યાજના દરે અને હળવી શરતોએ આપવા બદલ ગદ્ગદિત સ્વરે જાપાનના વડા પ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે એક સારો મિત્ર સમય અને સીમાથી ઉપર ઊઠીને દોસ્તી નિભાવે છે તેમ બહુ થોડા સમયમાં આ મોટા પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે તેનું બધું જ શ્રેય માર પરમ મિત્રને જાય છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાન રેલવેએ ટોકિયોમાં ટાટાના ભૂતપૂર્વ અધિકારી સંજીવ સિંહાની સલાહકાર તરીકે નિમણૂક કરી છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું ઇકે હવે જમાનો હાઈ સ્પીડનો છે. આવો હાઈ સ્પીડ કોરિડોર હશે ત્યાં જ વિકાસ અત્યંત ઝડપી થશે અને આમાં કનેક્ટિવિટી હશે તો બહુ મોટો ફાયદો થશે. અમેરિકાનો ઇતિહાસ આનો સાક્ષી છે કે ત્યાં રેલવે આવ્યા પછી ખૂબ ઝડપથી વિકાસ થયો છે. આ જ રીતે બીજા વિશ્વયુદ્ધ પછી બુલેટ ટ્રેનથી જાપાનની કરવટ બદલાઈ ગઈ છે કેમ કે યુરોપથી માંડીને ચીન સુધી આર્થિક-સામાજિક પરિવર્તન લાવીને અર્થજગતને બદલી નાખવામાં બુલેટ ટ્રેનનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આથી આપણા દેશમાં વિકાસ માટે પ્રયાસ કરવાની પદ્ધતિમાં પણ સમય સાથે બદલાવ લાવવાની અતિ જરૂર છે. અત્યાર સુધી થોડો થોડો વિકાસ થતો હતો પરંતુ હવે સમય ધીરે ધીરે આગળ વધવાનો નથી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધીઓને ચાબખાં મારતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે ગુજરાતમાં મુખ્ય પ્રધાનપદે હતો અને આ પ્રોજેક્ટ વિશે વાતો કરતો ત્યારે ટોણાં એવા મારવામાં આવતાં કે ‘ક્યારે લાવો છો પ્રોજેક્ટ?’ હવે જ્યારે એ પ્રોજેક્ટના કાર્યની શરૂઆત થઈ રહી છે ત્યારે પ્રશ્ન એવું પુછાઈ રહ્યું છે કે, શા માટે લાવ્યા છો આ પ્રોજેક્ટ?

બુલેટ ટ્રેન વિશે આટલું અવશ્ય જાણો...

રફતારથી લઈને રોજગાર સુધી ઘણું બધું આપશે આ બુલેટ યુગ. જેમાં ૯૨ ટકા મુસાફરી હવામાં થશે અને ૨ ટકા ટ્રેક જમીન પર હશે. આવો જાણીએ આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ વિગતો.
મુંબઈ અને અમદાવાદ જ કેમ?
મુંબઈ અને અમદાવાદ શહેર દેશના બે મહાનગર છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાય છે જ્યારે અમદાવાદ માન્ચેસ્ટર ઓફ ઈસ્ટના નામે પ્રસિદ્ધ છે. બંને શહેરો દેશના મોટા બિઝનેસ સેન્ટર છે. મુંબઈ-અમદાવાદ દેશનો સૌથી વ્યસ્ત રેલરૂટ છે. આ રૂટ પર મુસાફરોમાં મોટી સંખ્યામાં બિઝનેસ એક્ઝિક્યુટિવ અને વેપારીઓ હોય છે.
ટ્રેનનો રૂટ અને ટ્રેક
અમદાવાદના સાબરમતીથી શરૂ થઈને ૧૨ સ્ટેશનોથી પસાર થશે બુલેટ ટ્રેન
કયા કયા સ્ટેશને સ્ટોપેજ?
સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા,
વાપી, બોઈસર, વિરાર, થાણે અને બાંદ્રાકુર્લા
બુલેટ ટ્રેન ઉડતી નજરે...
• ૫૦૮ કિલોમીટરનું અંતર સાબરમતી સ્ટેશનથી બાન્દ્રા કુર્લા ટર્મિનસ સુધી છે. • ૪૬૮ કિલોમીટર (૯૨ ટકા)નો ટ્રેક એલિવેટેડ હશે. • ૨૭ કિમી (૬ ટકા)નો ટ્રેક ભોંયરામાંથી પસાર થશે. • ૧૨ કિમીનો ટ્રેક જમીન પર હશે. • ૨૭૦૦ રૂ.થી લઈને રૂ. સુધીનું ભાડું હશે • ૭૫૦ મુસાફરો દસ ડબ્બાવાળી બુલેટ ટ્રેનમાં એક સાથે મુસાફરી કરી શકે છે. • ૩૬૦૦૦ મુસાફરો રોજ આ ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. • ૧૮૬૦૦૦ મુસાફરોને રોજ મુસાફરી કરાવવાનો લક્ષ્યાંક ૨૦૫૩ સુધી • ૧૬ ડબ્બાવાળી બુલેટ ટ્રેન ચલાવવાનું ભવિષ્યનું લક્ષ્ય • ૩૫ ટ્રેન દરરોજ એક દિશામાં ચલાવી શકાય છે. • પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરાશે. રૂ. ૧.૧૦ લાખ કરોડ ખર્ચ થશે જેમાંથી ૮૮૦૦૦ કરોડ રૂપિયાની લોન જાપાને ૦.૧ ટકા વ્યાજ પર આપી છે.• ૧૬૦૦૦ રોજગાર આડકતરી રીતે ઊભા થવાની આશા. ૪૦૦૦ કર્મચારી ઓપરેશન-મરામત માટે. ૨૦ હજાર મજૂરો નિર્માણકાર્ય માટે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter