અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની ૧૩૮મી રથયાત્રાની શરૂઆત મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૮ જુલાઇ, શનિવારે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને કરાવી હતી. આ રથમાં જ તેઓ મંદિર પરિસરની બહાર આવ્યા હતા. વહેલી સવારથી જમાલપુર ખાતેના જગન્નાથજી મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. ભગવાનની એક ઝલક મેળવવા માટે લોકોની પડાપડી થઈ રહી હતી. મંગળા આરતીમાં ભાગ લેવા માટે રાત્રિના ત્રણ વાગ્યાથી મંદિર પરિસરની બહાર ભક્તોના ટોળા ઉમટ્યા હતા. ભગવાન ભક્તોને મળવા નગરચર્યાએ નીકળ્યા હોવાથી તેમના સ્વાગત માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળતી હતી અને પ્રસાદ મેળવવા પણ પડાપડી કરી રહ્યા હતા. વહેલી સવારે ભગવાનની આંખેથી મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા પાટા ઉતારવામાં આવ્યા હતા ત્યાર બાદ મંગળા આરતી થઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ભગવાન જગન્નાથજીના દર્શને કેબિનેટ પ્રધાન રમણલાલ વોરા, કાયદા અને ન્યાય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ કલેકટર રાજકુમાર બેનિવાલ પણ આવ્યા હતા. ભવ્ય શણગાર સાથે જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીને રથમાં બિરાજમાન કરાયા હતા. મંગળા આરતી સમયે હજારો ભક્તોની આંખોમાં ભક્તિનાં ભાવ અશ્રુ જોવા મળતાં વાતાવરણ અત્યંત ભક્તિમય તથા ભાવુક બન્યું હતું.
બાદમાં સવારે સાત કલાકે રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને ઠેરઠેર લોકોએ રથયાત્રાનું સ્વાગત થયું હતું. શનિવરે રમજાન ઇદ અને રથયાત્રા એક જ દિવસે આવતા હોવાથી પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. સરસપુરમાં ભગવાને મોસાળુ કર્યું હતું અને થોડા વિરામ પછી રથયાત્રા ફરીથી નીજ મંદિરના માર્ગે આગળ વધી હતી.