અમદાવાદઃ ગચ્છાધિપતિ અને ત્રિસ્તુતિક સંઘના ગચ્છાનાયક આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજસાહેબ રાજસ્થાનના ભાંડવપુર તીર્થમાં બે દિવસની ટૂંકી માંદગી બાદ ૧૬ એપ્રિલે મધ્યરાત્રે કાળધર્મ પામ્યા છે. ગુરુદેવશ્રીજીની અંતિમ પાલખી વિધિ ૧૮ એપ્રિલે ભાંડવપુરમાં યોજાઈ હતી. તાજેતરમાં થરાદમાં ત્રિસ્તુતિક સંઘમાં એકસાથે ૨૫ દીક્ષાઓ ગુરુદેવના હસ્તે અપાઈ હતી. થરાદથી એક માસ પૂર્વે વિહાર કરીને તેઓએ ભાંડવપુર તીર્થમાં ઓળી આરાધના કરી હતી.
તેમનો જન્મ થરાદ તાલુકાના પેપરાળમાં વિ. સં. ૧૯૯૩ના માગશર વદ-૧૩ના થયો હતો. ૧૬ વર્ષની ઉંમરે તેઓએ સંયમી જીવન સ્વીકારી લીધું હતું. વિ. સં. ૨૦૧૦ના આચાર્યદેવ યતિન્દ્ર સૂરીશ્વરજી મહારાજસાહેબના હસ્તે તેઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. મધુર સ્વભાવને કારણે તેમને મધુકર ઉપનામ અપાયું હતું.
વિ. સં. ૨૦૩૮માં ભાંડવપુર તીર્થમાં તેઓને આચાર્યપદવી અપાઈ હતી. વિ. સં. ૨૦૪૭ના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડો. શંકરદયાલ શર્માએ તેમને રાષ્ટ્રસંતની પદવી આપી હતી. તેમના હસ્તે ૨૩૬ જિનમંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, ૨૫૦થી વધુ ગુરુમંદિરોનું નિર્માણ થયું હતું.


