નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદા મોદીએ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ વખતે પાસપોર્ટ મેળવવા માટે તેમણે પાસપોર્ટ માટે ક્યા લગ્નસંબંધી દસ્તાવેજોની વિગતો આપી હતી તે જાણવા માટે રિજનલ પાસપોર્ટ ઓફિસમાં RTI એપ્લિકેશન કરી છે. મોદી સાથેના લગ્નના પુરાવારૂપે મેરેજ-સર્ટિફિકેટ અથવા જોઇન્ટ એફિડેવિટના અભાવે ગયા નવેમ્બર મહિનામાં જશોદાબહેને પાસપોર્ટ માટે કરેલી એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવ્યા પછી તેમણે RTIની આ અરજી કરી છે.
• પદ્મશ્રી ગુણવંત શાહને સાહિત્યરત્ન એવોર્ડઃ ગુજરાતના જાણીતા સર્જક-ચિંતક પદ્મશ્રી ડો. ગુણવંત શાહને સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યરત્ન એવોર્ડથી તાજેતરમાં નવાજવામાં આવ્યા છે. સાહિત્ય અકાદમીના લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સમો સાહિત્યરત્ન ખિતાબ સૌ પ્રથમ ડો. ગુણવંત શાહને આપવાના ગાંધીનગરની સાહિત્ય અકાદમીના નિર્ણયને ગુજરાતી સર્જકોએ પણ વધાવ્યો છે.
• ગાંધીજીને 'મહાત્મા'નું બિરુદ કોણે આપ્યું? ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું તે બાબતને લઈને હવે વિવાદ ખડો થયો છે. વિદ્યાર્થીઓને ભણાવાય છે કે ગાંધીજીને મહાત્માનું બિરુદ રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું હતું. પરંતુ રાજ્ય સરકાર દાવા સાથે કહે છે કે સૌરાષ્ટ્રના જેતપુર ગામના એક અજ્ઞાત પત્રકારે ગાંધીજીને સૌપ્રથમ મહાત્મા તરીકે સંબોધ્યા હતા. સરકારના આ જવાબ સામે તલાટીની પરીક્ષામાં બેસેલા કેટલાક વિદ્યાર્થીઓએ હાઈ કોર્ટના દ્વાર ખટખટાવતાં આ વિવાદ ઊભો થયો છે. ગાંધીવાદી નારણ દેસાઈએ તેમના પુસ્તકમાં વર્ણન કર્યું છે કે, ગાંધીજીને સૌપ્રથમ જેતપુરના એક પત્રકારે મહાત્મા તરીકે સંબોધ્યા હતા. તે વખતે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. જ્યારે કેન્દ્ર સરકારની વેબસાઈટમાં દર્શાવ્યું છે કે, રવીન્દ્રનાથ ટાગોરે આ બિરુદ આપ્યું હતું.
• ૧૩ વર્ષથી ફરાર આતંકી મહંમદ સલીમ ઝડપાયોઃ એટીએસની ટીમે જેહાદી ષડયંત્રના ગુનામાં ૧૩ વર્ષથી ફરાર આરોપી મહંમદ સલીમને રાજસ્થાનના ટોંક જિલ્લામાંથી ૧૩મીએ ઝડપી લીધો છે. મહંમદ સલીમે કોન્સ્ટેબલની કુખ્યાત સમીર ખાનને પાકિસ્તાન ટ્રેનિંગ માટે મોકલવામાં મદદ કરી હતી. સમીર ખાનનું ૨૦૦૨ની સાલમાં ગુજરાત પોલીસે એન્કાઉન્ટર કર્યા બાદ તપાસ વિગતો ખૂલી હતી.
• કુમકુમ મંદિરના સંત દિવ્યાનંદ સ્વામીનું નિધનઃ મણિનગર ખાતે આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સંત દિવ્યાનંદ સ્વામીનું નિધન ૧૧મી ફેબ્રુઆરીએ થયું હતું. ૩૧ વર્ષ પહેલા તેઓ સાધુ તરીકે મહંત આનંદપ્રિયદાસજી સ્વામીના સાંનિધ્યમાં તેઓ દીક્ષિત થયા હતાં. ઇ.સ. ૧૯૬૧માં તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. કુમકુમ મંદિરમાં રહીને તેઓ ભગવત ધ્યાન, ભજન અને કીર્તન કરતા હતા. ગુરુવારના રોજ બપોરના સમયે જ તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો તેમના અંતિમ દર્શન કરવા માટે ઊમટી પડ્યા હતા.

