અમદાવાદઃ ગુજરાતની જાણીતી રાયફલ કલબના સહયોગથી તાજેતરમાં વિખ્યાત સ્વરકાર-ગાયિકા માયા દીપકના મધુર સ્વરમાં ગુજરાતી ગઝલ અને હિન્દી ફિલ્મ ગીતોનો ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાઇ ગયો. ‘એક શામ લતાજી કે નામ’ અને ‘ઘાયલ’ની મસ્તી નામનો ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે ગોલ્ડન એરા મ્યુઝિક ક્લબની સ્થાપનાની જાહેરાત કરાઇ હતી, જેને શ્રોતાઓએ ઉમળકાભેર વધાવી લીધી હતી. હિન્દી ફિલ્મઉદ્યોગમાં અવાજના જાદુગર તરીકે જાણીતા અને ‘મહાભારત’ ટીવી સિરિયલના ‘મેં સમય હું...’ ફેઇમ હરિશ ભીમાણીએ ક્લબનું લોન્ચીંગ કરતા કહ્યું હતું, ‘મારી નાની બહેન માયા દીપકે ગોલ્ડન એરા મ્યુઝિક ક્લબ સ્થાપવાનું જે પ્રશંસનીય પગલું ભર્યું છે તેને મારો સંપૂર્ણ સહકાર છે અને આ ક્લબને જરૂરી તમામ સેવા આપવા હું હંમેશા તૈયાર છું.’ જતીનભાઇ પારેખ, અભયભાઇ અને સુનિલભાઇના સાથ-સહકારથી સ્થપાયેલી આ ક્લબની જાહેરાત સાથે જ અનેક શ્રોતાઓએ તેમાં પોતાના નામ રજીસ્ટર કરાવ્યા હતા.
રાયફલ કલબનાં ઓનરરી સેક્રેટરી સૌરભભાઈ ચોકસીએ તેમના પ્રાસંગિત સંબોધનમાં એવી લાગણી વ્યક્ત કરી હતી કે ‘માયાબહેન અમારી કલબના એક પરિવારજન થઈ ગયા છે.’ જ્યારે માયા દીપકે ક્લબના હોદ્દેદારો પ્રત્યે આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે ‘અત્યારે સંગીતનું વહેણ જ્યારે પાશ્ચાત્ય તરફી થઇ રહ્યું છે, કરાઓકેનું ચલણ વધી રહ્યું છે ત્યારે રાયફલ કલબ વતી સૌરભભાઈ અમારા જેવા કલાકારોને શ્રોતાઓ સમક્ષ રજૂ કરીને સંગીતકલાને પ્રોત્સાહન આપવાનું ઉલ્લેખનીય કામ કરી રહ્યા છે.’
આ સંગીતમય કાર્યક્રમમાં માયા દીપકે વિશ્વવિખ્યાત પિયાનોવાદક કાન્તિભાઈ સોનછત્રાનાં અદ્ભુત સ્વરાંકનમાં તૈયાર થયેલી અમૃત ‘ઘાયલ’ની ગઝલો રજૂ કરીને શ્રોતાઓની ભારે પ્રશંસા મેળવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંગીત સંચાલન ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડી કીર્તિ-રાજેશે કર્યું હતું.


