અમદાવાદઃ શહેરની જાણીતી રાયફલ કલબના સહયોગથી કર્મ ક્રીએશન્સ દ્વારા નિર્મિત ઓડિયો આલ્બમ ‘રામ રાખે તેમ રહીએ’ના વિમોચન પ્રસંગે સ્વરકાર–ગાયિકા માયા દીપકના મધુર સ્વરે ‘એક શામ લતાજી કે નામ’ હિન્દી ફિલ્મ ગીતોનો ભવ્ય કાર્યક્રમ ગરિમાપૂર્ણ રીતે યોજાઈ ગયો.
ઓડિયો આલ્બમ ‘રામ રાખે તેમ રહીએ’નું વિમોચન સૌરભભાઈ ચોક્સી, રાયફલ કલબના બોર્ડ–સભ્યો તથા શહેરના પ્રતિષ્ઠિત મોભીઓ મહાસુખભાઈ અદાણી, રમેશભાઈ પટેલ (મેઘમણી), જતીનભાઈ પારેખ (તનિષ્ક), પ્રફુલભાઈ નાયક (કન્વીનર, ચાલો ગુજરાત (U.S.A.), ‘વિસરાતા સૂર’ અમરિષભાઈ પરીખ, સંગીતકાર બેલડી જીતીન-અમિત તથા આર. જે. મોઢ,
ડો. અનિલભાઈ રાવલ, અભયભાઈ તથા અન્ય શુભેચ્છકોની ઉપસ્થિતિમાં થયું હતું. શ્રોતાઓએ માયા દીપકનાં આ ઓડિયો આલ્બમની ભરપૂર પ્રસંશા કરી હતી. આ પ્રસંગે માયા દીપક દ્વારા કુલ ૪૮ ફિલ્મી ગીતો ગવાયાં હતા, જે વારંવાર વન્સ મોર થયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંગીત સંચાલન ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડી કીર્તિ-રાજેશે કર્યું હતું અને કાર્યક્રમનું રસ-દર્શન આરિફ શેખે કરાવ્યું હતું.
આ પ્રસંગે માયા દીપક દ્વારા ‘Lataji's Fan Club’ શરૂ કરાશે તેવી જાહેરાત થતાં જ અનેક શ્રોતાઓએ પોતાના નામ નોંધાવ્યા હતા.
રાયફલ કલબનાં ઓન. સેક્રેટરી સૌરભભાઈ ચોકસીએ જણાવ્યું કે, માયાબહેન તો અમારી કલબના એક પરિવારજન થઈ ગયા છે. અમારી કલબ દ્વારા આવા સુંદર કાર્યક્રમોનું આયોજન કરીને કલાકારોને પ્રોત્સાહિત અને સન્માનિત કરવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ.
માયા દીપકે રાયફલ કલબના સંચાલકોનો આભાર માની જણાવ્યું હતું કે અત્યારે સંગીત વહેણ જ્યારે પાશ્ચાત્ય તથા ‘કરાઓકે’ તરફનું છે, ત્યારે રાયફલ કલબ વતી સૌરભભાઈ ચોક્સી અમારા જેવા કલાકારોને શ્રોતાઓ સમક્ષ રજૂ કરી અને અમને પ્રોત્સાહન આપવાનું બહુ જ મોટું કામ કરે છે.
કાર્યક્રમનાં અંતે માયા દીપકે લતાજીનું ગીત ‘એય મેરે વતન કે લોગો’ રજૂ કર્યું ત્યારે સમગ્ર શ્રોતાગણે ઊભા થઈ અને શહીદોને અંજલિ આપી ત્યારે દરેક શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ હતી અને ફરીથી આવો જ કાર્યક્રમ યોજાય એવી માંગ ઊભી થઈ હતી.
આ ઓડિયો આલ્બમ ‘રામ રાખે તેમ રહીએ’નું વિમોચન, લંડનમાં ઓગસ્ટ-૨૦૧૫માં થશે.