નવી દિલ્હીઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વડા મથકે કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે દેશમાં વિકાસની ભૂખ જાગી છે. અમારે હવે રાજ્યો અને રાજ્યોનાં લોકોનાં સંતોષ માટે કામ કરવાનું છે. લોકોએ હવે જાતિવાદ, વંશવાદ તેમજ તૃષ્ટિકરણનો માર્ગ છોડીને વિકાસવાદને અપનાવવાનો છે. મારી ગેરહાજરીમાં ગુજરાતના વિજયથી મને ડબલ ખુશી છે.
તેમણે કહ્યું કે દરેક ગુજરાતીઓ એકબીજાને પ્રેમ કરો. આપણે વિભાજિત થવાનું નથી. ભાગલા પાડીને રહેવાનું નથી. જે કંઈ થયું તે ભૂલી જાઓ અને વિકાસનાં કામમાં લાગી જાઓ તેમ મોદીએ પાટીદાર આંદોલનનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું. આપણે સૌએ હવે એકતા અને ભાઈચારા માટે કામ કરવાનું છે. ગુજરાતમાંથી જાતિવાદનાં ઝેરને હટાવવા માટે આપણને ૩૦ વર્ષ લાગ્યા છે. હવે આપણે સહુએ સબ કા સાથ સબ કા વિકાસને અપનાવીને આગળ વધવાનું છે.
વડા પ્રધાન મોદીએ ગુજરાતના અને હિમાચલ પ્રદેશમાં વિજયની કેડી કંડારવા માટે પક્ષ પ્રમુખ અમિત શાહનાં વખાણ કર્યા હતા. વડા પ્રધાને કહ્યું હતું કે અમિતભાઈએ પક્ષને જીતાડવા માટે અને વધુમાં વધુ બેઠકો જીતવા માટે ભારે મહેનત કરી હતી. તેમની વ્યૂહરચના અને સંગઠન સ્તરે કુશળ સંચાલનને કારણે જ આપણે બંને રાજ્યોમાં ચૂંટણી ચીતી શક્યા છીએ. ગુજરાતમાં ઐતિહાસિક જીત માટે હું તેમનો અને કાર્યકરોનો આભાર માનું છું. ગુજરાતની જીત અસાધારણ છે અને રાજકારણને નવી દિશામાં લઈ જનારી છે.