જાન્યુઆરી ૨૦૧૮માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન

Wednesday 01st March 2017 06:38 EST
 
 

અમદાવાદઃ સમગ્ર પાટીદાર સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવવા સરદારધામ-વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા અનોખું આયોજન કરાયું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટની જેમ એક કદમ સમૃદ્ધિ કી ઓર સાથે ૫થી ૭ જાન્યુઆરી ૨૦૧૮માં ગાંધીનગરના મહાત્મા મંદિરે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાવાની છે. આ સમિટની રૂપરેખા માટે અમદાવાદની કર્ણાવતી ક્લબના ગોલ્ડન ગ્લોરી હોલમાં ઉદઘોષણા સમારોહ યોજાયો હતો. જેમાં સમિટનો લોગો, GPBS૨૦૧૮ એપ અને વેબસાઈટનું લોન્ચિગ કરાયું હતું અને સમિટ માટે રજિસ્ટ્રેશનની શરૂઆત પણ થઈ હતી.
મિશન ૨૦૨૬ અંતર્ગત જાન્યુઆરી-૨૦૧૮માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોનું આંતરિક તેમજ વૈશ્વિક જોડાણ થાય અને પરસ્પર એકબીજાને ઉપયોગી થાય. સમાજમાં નવા ઉદ્યોગપતિઓ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું. આ ઉપરાંત સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી આપવી. આ સમિટમાં ૩૬ દેશમાંથી પાટીદાર સમાજના નાના-મોટા ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ ભેગા થશે. સમિટ દરમિયાન બિઝનેસ સેમિનાર અને બિઝનેસ મીટિંગ્સ(બીટુબી) યોજાશે. આ સમિટમાં આર્થિક અને સામાજિક ક્ષેત્રે પાટીદારોની પ્રગતિનું પ્રતિબિંબ કરાવતા ૫૦૦થી વધુ સ્ટોલ હશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટની જેમ આ સમિટના પહેલાં દિવસે તમામ પાટીદાર પ્રતિનિધિઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને ભવ્ય ઉદ્‌ઘાટન કરવામાં આવશે.
સમિટના પ્રથમ કાર્યક્રમ અંતગર્ત કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ઉદઘોષણા સમારોહમાં સરદારધામના સંયોજક ગગજીભાઈ સુતરિયા અને સમિટ ઇવેન્ટના કન્વીનર અને ગુજરાત ચેમ્બરના પૂર્વ પ્રમુખ શંકરભાઈ પટેલ સહિત અમદાવાદ, સુરત તથા વિવિધ શહેરમાંથી આવેલા સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter