અમદાવાદઃ જાપાનના વડા પ્રધાન શિંજો આબેની પરોણાગત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિંજો આબે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ખાતમુર્હૂત કરશે. ત્યારબાદ હાલમાં જ હેરિટેજ સિટીનો ખિતાબ મેળવનાર અમદાવાદની મધ્યમાં વિખ્યાત એવી સીદી સૈયદની જાળી જોઇ શકાય તે રીતે હેરિટેજ હોટલમાં બેસીને ગુજરાતી ખાણાનો આસ્વાદ માણશે. શિંજો ભારતમાં ઇન્ડો-જાપાન બિઝનેસ સમિટમાં પણ ભાગ લેશે.
માહિતી અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન સાથેની દોસ્તી ગાઢ કરવા માટે અમદાવાદમાં બૂલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત અને ઇન્ડો-જાપાન બિઝનેસ સમિટનું આયોજન કર્યું છે. જાપાન સાથેની તેમની આ દોસ્તી ચીન સામેની તેમની સોગઠી તરીકે નિષ્ણાતો જોઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચીનના પ્રમુખ જિનપિંગને પણ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં પરોણાગત કરી હતી.
જાપાનનાં વડાપ્રધાન શિંજો આબે ૧૩મી તારીખે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચશે. ત્યાંથી તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે જશે. ત્યારબાદ રિવરફ્રન્ટ પરથી કોટ વિસ્તારમાં આવેલી હેરિટેજ હોટલમાં ગુજરાતી ભોજન માણશે. જાપાનના વડાપ્રધાનને ગુજરાતી વ્યંજનોમાં પૂરી, રોટલી, ભાખરી, રોટલો, અનેક જાતનાં શાક, દાળ, કઢી, ભાત, ચટણીઓ, અથાણાની સાથે ગુજરાતી મિષ્ટાનો પણ પિરસાશે.
આ પહેલા બંને વડા પ્રધાન અમદાવાદનાં સ્થાપત્યનું પ્રતિક એવી સીદી સૈયદની જાળીની મુલાકાત પણ લેશે. મ્યુનિ.એ જાપાનના વડાપ્રધાનને સીદી સૈયદની જાળીનો મોમેન્ટો પણ આપવાની તૈયારી કરી છે. જાપાનના અને ભારતના વડાપ્રધાન સંવેદનશીલ ગણાતા કોટ વિસ્તારમાં આવતા હોઇ કારંજ અને શાહપુર પોલીસ સ્ટેશનની જવાબદારી વધી ગઇ છે. સુરક્ષા ખાતર દિલ્હી દરવાજાથી લાલદરવાજા સુધીનાં રોડ પર અને રિલિફ રોડ પર ટ્રાફિક ડાઇવર્ટ કરાશે.
જાપાનનાં વડા પ્રધાનના સ્વાગત માટે મ્યુનિ. વહીવટીતંત્ર યુધ્ધનાં ધોરણે અનેક પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. તેમાં ખાસ કરીને વરસાદમાં ધોવાયેલાં રોડને રિસરફેસ અને માઇક્રોસરફેસ કરવામાં આવી રહ્યાં છે. તદઉપરાંત બન્ને મહાનુભાવો જે રૂટ-રોડ ઉપરથી પસાર થવાનાં છે તે તમામ રોડ પર આવેલા જંકશન, ટ્રાફિક લાઇટ, ફૂટપાથ, રેલીંગ, લાઇટીંગ વગેરેનું રિપેરિંગ-રંગરોગાન કરવામાં આવી રહ્યું છે.
ગાંધીઆશ્રમ અને રિવરફ્રન્ટ વગેરે જગ્યાએ થીમબેઇઝ લાઇટિંગ પણ કરાશે. જાપાનનાં વડા પ્રધાનના આગમનને ધ્યાનમાં લઇને જાપાની ભાષામાં બોર્ડ-બેનરો લગાવાશે. આ બધી કામગીરી પાછળ ૧૫-૨૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ મ્યુનિ. સત્તાધીશોએ મુકયો છે.
જાપાનના વડા પ્રધાનની મુલાકાતના સ્થળોની કાયાપલટ કરી દેવાઈ
જાપાનના વડા પ્રધાન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત પહેલાં ચોક્કસ જગ્યાઓની કાયાપલટ કરી ચકચકાટ એટલે કે સુંદર-સુવ્યવસ્થિત બનાવવામાં આવી રહી છે. જાપાનના વડા પ્રધાન શિંજો આબે તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ગાંધીઆશ્રમ થઇ રિવરફ્રન્ટ થઇ કોટ વિસ્તારમાં સીદી સૈયદની જાળી અને હેરિટેજ હોટલમાં ભોજન માટે જશે તે રૂટનો રોડ, ફૂટપાથ, રેલિંગ, લાઇટ વગેરે રિપેરીંગ-નવા કરવા જેવા કામો કરી દેવાયા છે. સીદી સૈયદની જાળીની મસ્જિદમાં નમાજીઓ માટેનો હોજ, કોટ, ભોંયતળીયું વગેરે રિપેર અને રંગરોગાન કરી દેવાયાં છે. હેરિટેજ હોટલમાં પણ સજાવટ કરવામાં આવી રહી છે. આ મામલે સ્ટે.કમિટીમાં ભાજપનાં સભ્યોએ પણ નારાજગી વ્યકત કરી હતી. સભ્યોનું કહેવું હતું કે, વડા પ્રધાન આવે ત્યારે બધું યુધ્ધનાં ધોરણે થઇ શકે છે તો સામાન્ય દિવસોમાં કેમ નથી થતું.


