અમદાવાદઃ જાપાન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સમાનતાના પગલે ગુજરાત યુનિવર્સિટીમાં હેરિટેજ સેન્ટર શરૂ કરવા માટે જાપાનના ફર્સ્ટ લેડી અકી આબેએ સંમતિ આપી હતી. આ સેન્ટરના માધ્યમથી રિસર્ચ, સમાનતા અને સમસ્યાના પર કામ થશે. યુનિવર્સિટીના મહેમાન બનેલા એકી આબેનુ અદકેરું સ્વાગત થયું હતું. યુનિવર્સિટીની સૌજન્ય મુલાકાતે આવેલા અકી આબેની મુલાકાત એકેડમિક મુલાકાતમાં પરિવર્તિત થઈ હતી. ૧૦-૫૦ વાગ્યે એકી આબે તેમના કાફલા સાતે આવતા કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા સહિત સાથે અધિકારી અને સિન્ડીકેટ સભ્યોએ રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું. બંને દેશ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ટેકનોલોજિના વિકાસમાં અગ્રેસર છે. તેને ધ્યાનમાં રાખી ગુજરાત યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્ય, રમત-ગમત સહિતના ક્ષેત્રોને આવરી લેતું ‘ટેકનોલોજી એન્ડ હેરિટેજ પ્રિઝર્વેશન ઇન્ટરપ્રિટેશન સેન્ટર’ શરૂ કરવા બંને પક્ષ સંમત થયાં હતાં.
સિલ્કની સાડી, ગાંધીજીની ટિકિટની ભેટ
અકી આબેને ૧૯૬૨ની સાલમાં ઓટમન યુનિવર્સિટી સાથેના એમઓયુની પેમિંગ કરેલી કલ, ઇ.સ. ૧૯૧૫ની સાલમાં મહાત્મા ગાંધીજી આફ્રિકાથી પરત આવ્યા ત્યારે ટપાલ ટિકિટ પ્રસિદ્ધ થઈ હતી. તેની ડિઝાઈનમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો પણ ફાળો હતો. તેની રેપ્લિકા વર્ષો પહેલાં જાપાનના મહાન વિદ્વાન
ડો. ઓકીચી એન્ડોએ ગુજરાત યુનિવર્સિટીની રેપ્લિકા અને એમ્બ્લેમ, સિલ્કની સાડી, તેમનું પોટ્રેટ ભેટ તરીકે અપાયા હતા.
કુલપતિને જાપાની ઢીંગલી ગિફ્ટ
લેડી આબેએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાશુ પંડ્યા સાથેની મુલાકાતમાં પર્યાવરણની અસમતુલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. ભારત અને જાપાન વચ્ચેની સામ્યતાઓની પણ ચર્ચા કરી હતી. તેમણે કુલપતિને જાપાની ડોલની ભેટ આપી હતી. આબેએ વિદ્યાર્થીઓને પણ રિટર્ન ગિફ્ટ આપી હતી.
ગેસ્ટબુકમાં લખાણ
આબેએ યુનિ.ની ગેસ્ટબુકમાં જાપાની ભાષામાં સંદેશો લખ્યો હતો. જેનો અર્થ એવો થતો હતો કે, હું અહીં આવીને ખૂબ ઉત્સાહિત થઈ છું. શુભકામનાઓ. યુનિ.માં આજ સુધી ગેસ્ટબુક ન હતી. આજથી શરૂઆત થઈ છે. જેમાં યુનિ.ની મુલાકાત લેનારા મહાનુભાવોના સંદેશા લેવાશે.
પરીક્ષામાં નથી બેઠા, હસો
અકી આબે ૪૫ મિનિટ સુધી યુનિવર્સિટી કેમ્પસમાં રોકાયાં હતાં. વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં શરૂઆતમાં બધાના ગંભીર ચહેરા જોઈ તેમણે કહ્યું તમે એક્ઝામિનેશન રૂમમાં નથી બેઠાં. હસો. હસતાં રહો. રિલેક્સ. તેમનાં ફ્રેન્ડલી વર્તનના કારણે વિદ્યાર્થીઓ પણ ખીલી ઊઠ્યા હતા. તેમણે દુભાષિયાની મદદથી વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમને નેચર સાથે પ્રેમ છે. એટલે અહીં આવી છું. તેમને કાજુ-બદામ પીરસાયા હતા, પણ તેમણે લીધાં નહીં. ગ્રીન ટી અને પાણી પીધું હતું. તેમની ઇચ્છા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી અને વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ રખાઈ હતી.


