અમદાવાદઃ જાપાનના ઓસાકા શહેર પાસે આવેલા હિલ સ્ટેશન નારામાં રહેતી તોમોકો ઓશિરો કહે છે કે, મારા બે સંતાનો ચુસ્ત શાકાહારી અને જીવદયાપ્રેમી રહે તેવી રીતે મેં તેમનો ઉછેર કર્યો છે. છેલ્લા ૧૫ વર્ષથી મેં જૈનધર્મ અપનાવ્યા પછી મારું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું છે.
બંને સંતાનો પૂજે ડાઈગોરો અને સંકરા ડાઈગોરોને લઈને તોમોકો દર વર્ષે અમદાવાદ આવે છે. આ વખતે તોમોકો ઓશિરો પોતાની ફ્રેન્ડ રિયોને પણ સાથે લાવી છે. તે હરવા ફરવા કે મોજશોખ માટે નહીં, પરંતુ પાલિતાણા, શંખેશ્વર, મહુડી, ગિરનાર અને નાકોડા વગેરે જૈન તીર્થસ્થળોએ દર્શન માટે આવે છે. આ ઉપરાંત તે મધ્ય પ્રદેશના મોહનખેડા તીર્થના દર્શને પણ જાય છે.
તોમોકો જન્મે અને કર્મે જાપાની હોવા છતાં પોતે પૂજાના વસ્ત્રો પહેરીને જ પૂજાપાઠ કરે છે. તેણે પોતાના બાળકોને નવકાર મંત્ર તથા જૈન ધર્મના સ્ત્રોત શીખવ્યા છે.
દર વર્ષે પર્યુષણ દરમિયાન પોતાના પરિવારને લઈને ભારત આવતી તોમોકો ઓશિરો ચુસ્ત રીતે અઠ્ઠાઈ કરે છે. છેલ્લા બે વર્ષથી સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં માત્ર ઉકાળેલું પાણી પીને સળંગ આઠ દિવસ સુધી ભૂખ્યા રહેવાનું વ્રત પણ તે કરે છે. તોમોકો કહે છે, આ વર્ષે પણ અઠ્ઠાઈ તપના આશીર્વાદ માટે શ્રી લાવણ્ય જૈન સંઘ ખાતે ચાતુર્માસમાં બિરાજમાન ગચ્છાધિપતિ, મનોહરકિર્તિ સાગરસુરીશ્વરજી, આચાર્ય ઉદયકીર્તિ સાગરસૂરિશ્વજીના આશીર્વાદ લીધાં છે. હવે પર્યુષણ પર્વ શરૂ થયા હોવાથી હું જાપાન જઈ રહી છું. જાપાનમાં પણ આઠ દિવસ માત્ર ઉકાળેલા પાણી વડે ઉપવાસ ચાલુ રાખવાની છું. જાપાનમાં મેં ઘર દહેરાસરનું પણ નિર્માણ કર્યું છે.
તોમોકો કહે છે કે, હું તો મૂળ જાપાની છું. મને જૈન ધર્મનો પરિચય નહોતો થયો તે પહેલાં ખૂબ જ માંસાહાર કરતી હતી. જાપાનમાં માંસાહાર સહજ છે. આજે મારા અંતરના ખૂણામાં શાંતિ વ્યાપી ગઈ છે તેનું કારણ સાત્ત્વિક શાકાહારી આહાર જ છે. હું નોનવેજ ખાતી ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. ઘરના હોય કે બહારના નાની નાની વાતમાં પણ ઝઘડા કરતી. જૈન ફિલોસોફીનો અભ્યાસ અને અનુભવ કર્યા પછી આજે હું પોઝિટિવ એનર્જી ધરાવું છું. એક સમયે જે જીવોને મારીને ખાતા એ તમામ જીવો માટે પ્રેમ અને કરુણા જાગે છે. મેં મારા સંતાનો પણ કૂતરા, ગાય જેવા અબોલ પશુઓ માટે અનુકંપા રાખતા થાય તેવા સંસ્કારોનું સિંચન કર્યું છે. ઓશિરો કહે છે કે ભારતમાં મૃત પ્રાણીઓના લટકતાં શરીર દુકાનમાં વેચાતા જોઉં છું ત્યારે મને ચક્કર આવી જાય છે. મારા પતિ અને મારા માતા નોનવેજ છોડવા માટે તૈયાર ન હોવાથી તેઓથી પણ હું અળગી થઈ છું.


