જયપુરઃ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે જયપુર એરપોર્ટ પર પોલીસે તેમને અટકાવીને રાજસ્થાનના નાગોર જિલ્લામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ હોવાનું જણાવ્યું હતું. મેવાણી નાગોરમાં બાબાસાહેબ આંબેડકર અને ભારતીય બંધારણ પર પ્રવચવ આપવા નાગોર તરફ જઈ રહ્યા હતા અને તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમને કોઈની સાથે વાત કરવા દેવામાં નહોતી આવી અને અમદાવાદ પાછા ફરવા ફરજ પણ પડાઈ હતી.
જિજ્ઞેશ મેવાણીએ પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ‘જયપુર એરપોર્ટ પર ઉતરતાં જ કેટલાંક પોલીસે તેમને જાણ કરી હતી કે નાગોર જિલ્લામાં તેમના પ્રવેશ સામે પ્રતિબંધ છે. ડેપ્યુટી પોલીસ અધિકારી કહે છે કે જયપુરમાં પણ હરવા ફરવા પર પ્રતિબંધ છે અને મને અમદાવાદ પાછા ફરવા ફરજ પાડવામાં આવી હતી.
મને પત્રકાર પરિષદ યોજવા દેવા પણ ઈનકાર કર્યો હતો. હું ત્યાં ભારતીય બંધારણ અને બાબાસાહેબ આંબેડકર વિષયે વાત કરવા જઈ રહ્યો હતો. મારું અપહરણ નહોતું થયું પરંતુ મને કાયદેસર રીતે શારીરિક રીતે ગોંધી રાખ્યો હતો.

