અમદાવાદઃ બિટ કોઈન કૌભાંડમાં વેશ બદલીને ફરતા પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલની અમદાવાદમાંથી નાટકીય ઢબે ધરપકડ કરાયા પછી તેની ૧૮ કલાકની પૂછપરછમાં અનંત પટેલે કબૂલ્યું કે અમરેલીના જિલ્લા પોલીસ વડા આઈપીએસ અધિકારી જગદીશ પટેલના કહેવાથી આ કેસની મેટર પતાવટ કરી છે. એ પછી આઈપીએસ અધિકારી જગદીશ પટેલની પણ સીઆઈડી ક્રાઈમે ૨૪મી એપ્રિલે આખરે ધરપકડ કરી છે.
અગાઉ ધરપકડ કરાયેલા અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલે સીઆઈડીને કબૂલાત આપી હતી કે, એસ.પી જગદીશ પટેલે ૧૦ તારીખે મને ફોન કર્યો હતો અને કેતન પટેલનો સંપર્ક કરી બિટકોઈનને સંલગ્ન મેટર પતાવવાની સૂચના આપી હતી. તેમની સાથે ત્રણ માણસો જે માથાભારે હશે એટલે વધુ માણસો લઈને જવા કહેતા ત્રણ ગાડી લઈને અમે ગયા હતા.'
અનંત પટેલની આ કબૂલાતના આધારે સીઆઈડી ક્રાઈમે રવિવારે અમરેલી એસપીના સરકારી બંગલેથી તેમની કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરાઈ હતી. જો કે, તેઓ તપાસમાં સહકાર આપતા નહીં હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત હવે આગામી દિવસોમાં સીઆઈડી પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને પૂછપરછ માટે બોલાવશે. જગદીશ પટેલ અને નલિન કોટડીયા બંન્ને એકબીજાના સંપર્કમાં હોવાના પુરાવા સીઆઈડીને મળ્યા છે.


