ગુજરાતના નવા મુખ્ય સચિવ પદે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૯૮૧ની બેચના આઈએએસ ઓફિસર અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ જી.આર.અલોરિયાને પ્રમોશન આપ્યું છે. ૩૧ મેએ વય નિવૃત્ત થયેલા ચીફ સેક્રેટરી ડી.જે.પાંડિયને ૨૭મા મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ અલોરિયાને સોંપ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરના અંતે ૧૯૭૮ની બેચના એસ.કે.નંદાની સિનિયોરિટીને સુપરસીડ કરી ૧૯૮૧ની બેચના પાંડિયનને મુખ્ય સચિવનું પ્રમોશન અપાયું હતું તે સમયે તેમના ઉત્તરાધિકારી તરીકે ડો. હસમુખ અઢિયા સિનિયોરિટીમાં હતા. જો કે, કેન્દ્ર સરકારમાં તેમને પ્રતિનિયુક્તિ થતા અલોરિયાને આ પદ માટે પસંદ કરાયા છે.
અમદાવાદનું મનપાનું સીમાંકન, હવે ૬૪માંથી ૪૮ વોર્ડઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત સપ્તાહે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નવા સીમાંકનની જાહેરાત થઇ છે. જે મુજબ શહેરના ૬૪ વોર્ડમાંથી ૧૮ વોર્ડની બાદબાકી કરીને નવા ૪૮ વોર્ડ બનાવાયા છે. જેમાં શાહીબાગ અને મક્તમપુરા એમ બે નવા વોર્ડ ઊમેરાયા છે. શહેરના નવા સીમાંકનમાં દરેક વોર્ડમાં સરેરાશ વસ્તી ૧.૧૬ લાખ રાખવામાં આવી છે. વસ્તીની દૃષ્ટિથી સૌથી મોટો વોર્ડ રામોલ-હાથીજણ રહેશે જેમાં ૧.૨૭ લાખની વસ્તી હશે જ્યારે સૌથી નાનો વોર્ડ ગોતા હશે જેમાં સરેરાશ ૧.૦૪ લાખ વસ્તી હશે. શહેરના ૪૮ વોર્ડમાંથી ૯૬ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. ૨૦ બેઠકો અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જાતિની કુલ બેઠકો પૈકી ૧૦ બેઠકો અનુસૂચિત જાતિ મહિલા માટે અનામત રહેશે.