અમદાવાદઃ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ-પાંચ ત્રીજીથી સાતમી જાન્યુઆરી દરમિયાન અમદાવાદ યુનિવર્સિટી અને કનોરિયા સેન્ટરમાં યોજાઈ ગયો. આ ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય લેખકો, કવિઓ, ફિલ્મસર્જકો, પરફોર્મરો અને નિષ્ણાંતોની હાજરી રહી, પણ સાહિત્ય પરિષદ અને ગુજરાત લિટરેચર વચ્ચે તનાવે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ચોથીએ સાંજે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થયું હતું. જેમાં ૧૫ લોકોને વિવિધ એવોર્ડ્સ એનાયત થયા હતા.
જીએલએફ વિ. સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ લેખિકા વર્ષા અડાલજા આ ફેસ્ટિવલમાં ભાગ લેવા ખાસ મુંબઈથી અમદાવાદ આવ્યા હતા. પરિષદ દ્વારા વર્ષાબહેનને આ ફેસ્ટિવલમાં વક્તવ્ય આપતાં અને સ્ટેજ પર જતાં અટકાવી દેવાયા હતા. તેઓ જ્યારે જીએલએફમાં જવા માટે ગાડીમાં બેસવાની તૈયારીમાં હતાં ત્યારે છેલ્લી ઘડીએ તેમને ફોન આવ્યો કે, જીએલએફમાં ભાગ લેવાની પરિષદ તરફથી મનાઈ ફરમાવાઈ છે. જીએલએફ દ્વારા તેમને લેવા આવેલી કારમાં પણ તેમને ન બેસવા દેવાયાં કે જીએલએફ દ્વારા બુક કરેલી હોટેલમાં તેમને ન રોકાવા દેવાયાં. અંતે એર પોર્ટથી વર્ષાબહેન પોતાના સંબંધીને ઘરે ચાલ્યા ગયા અને જીએલએફમાં પોતાનું સેશન સ્કિપ કરીને વક્તા તરીકે નહીં, પણ એક શ્રોતા તરીકે ભાગ લીધો. વર્ષાબહેને કહ્યું કે, પરિષદ તરફથી કહેવાયું કે કાર્યક્રમમાં જશો તો એકલા પડશો.
સાહિત્ય પરિષદની આડોડાઈના કારણે જીએલએફના પ્રથમ દિવસે જ્ઞાનપીઠ વિજેતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને ભરત મહેતા પોતપોતાના સેશનમાં ગેરહાજર રહ્યા હતા.
વિશેષ એવોર્ડ્ઝ
• બેસ્ટ બુક ડિઝાઇનઃ અપૂર્વ આશર (મરીઝ).
• ઓફબીટ બુકઃ કિરણ ઠક્કર (૧૨૨૨૪ પાનાનુ વિશાળ પુસ્તક).
• યુવા પ્રકાશકઃ અમૃત ચૌધરી(ડિવાઇન પબ્લિકેશન).
• સૌથી વધુ પુસ્તકોનું વિતરણઃ સહજાનંદ બુક ટ્રસ્ટ, ભૂજ (૨૫ લાખ જેટલુ રોકાણ કરીને ૩૦ લાખ લોકો સુધી પુસ્તકો પહોંચાડવા).
• શ્રેષ્ઠ પ્રુફ રીડરઃ વજેસિંગ પારઘી, યુવા વાર્તાકારઃ રામ મોરી (મહોતુ).
• યુવા કવિઃ કુલદીપ કારીયા (ભીંત ખખડાવી તો ખુલી).
• લાઇફટાઇમ વર્ક પબ્લિકેશનઃ ભરતભાઈ શેઠ (આર આર શેઠ).
• વર્સેટાઇલ યુવા લેખકઃ ઐશ્વર્યા સુરતવાલા, યુવા નાટ્યલેખકઃ અંકિત ગોર.
• મોસ્ટ ઈનોવેટિવ પબ્લિકેશનઃ નવજીવન ટ્રસ્ટ (ધ સ્ટોરી ઓફ ગાંધી).
• શ્રેષ્ઠ અનુવાદકઃ ચિરાગ ઠક્કર (ગુજરાતી).
• શ્રેષ્ઠ અનુવાદઃ રીટા અને અભિજિત કોઠારી (અંગ્રેજી – ધ ગ્લોરી ઓફ પાટણ (પાટણની પ્રભુતા).
• યુનિક પુસ્તક લેખનઃ ડો. નિમિત્ત ઓઝા (મારી વ્હાલી પરીક્ષા).
• શ્રેષ્ઠ ફિલ્મ લેખનઃ કૃષ્ણદેવ યાજ્ઞિક.


